નવી દિલ્હી : તા.12 જુલાઈ 2022,મગળવાર : મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુર હત્યાકાંડના આરોપી રિયાઝને લઈને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે.કન્હૈયાલાલની હત્યા અગાઉ ઉદયપુર પોલીસે રિયાઝને મકાન માલિક સાથે ઝઘડો કરવા મામલે પકડ્યો હતો.આ જ જૂના મામલાને લઈને સીએમએ આરોપ લગાવ્યો કે,જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે ભાજપ નેતાઓએ તેને છોડાવવા માટે ફોન કર્યો હતો.બાદમાં જાણવા મળ્યું કે,આરોપી ભાજપનો સક્રીય સદસ્ય છે.
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા સોમવારે જયપુરમાં હતા.આ દરમિયાન આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સીએમએ આ આરોપ લગાવ્યો હતો.મુખ્યમંત્રીએ કહ્યું કે,તાજેતરમાં જ ખબર આવી છે કે,ઉદયપુરમાં રિયાઝ જે મકાનમાં ભાડે રહેતો હતો તેના મકાન માલિકે ફરિયાદ કરી હતી કે,તે લોકો ત્રાસ આપે છે અને અનેક અજાણ્યા લોકો આવે છે અને ધમકાવે છે.તે લોકો ભાડૂ પ નહોતા આપતા. પોલીસ આ મામલે કાર્યવાહી કરે એ પહેલા જ ભાજપના નેતાઓના ફોન આવી ગયા હતા અને એટલું જ નહીં ભાજપના નેતાઓએ કહ્યું હતું કે,તે અમારો કાર્યકર્તા છે તેને હેરાન ન કરો.
તમને જણાવી દઈએ કે, ભાજપ નેતા ગુલાબચંદ કટારિયા સાથે આરોપી રિયાઝ અત્તારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.ત્યારબાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ ભાજપ પર અનેક આરોપ લગાવ્યા હતા.ખેડાએ રિયાઝને ભાજપનો સક્રિય સદસ્ય ગણાવ્યો હતો.ખેડાએ કહ્યું કે,રિયાઝ અત્તારી રાજસ્થાન ભાજપના નેતા પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાના અનેક કાર્યક્રમોમાં સામેલ થતો હતો.
ખેડાએ કહ્યું કે,અમે ભાજપના લઘુમતી સેલના નેતા ઈર્શાદ ચેઈનવાલા અને ભાજપના મોહમ્મદ તાહિરની જૂની ફેસબુક પોસ્ટને સ્ટડી કરી છે.સ્ટડીમાં જાણવા મળ્યું છે કે,રિયાઝ અત્તારી રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા સાથે ઘણા કાર્યક્રમોમાં દેખાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ તેને ભાજપના કાર્યકર પણ કહી રહ્યા છે.

