ઉદયપુર : આતંકવાદી સંગઠનોની સાથે જોડાયેલા કટ્ટરવાદીઓના હાથે ઉદયપુરમાં માર્યા ગયેલા કન્હૈયાલાલના પરિવારની સાથે રાજસ્થાન જ નહીં,પરંતુ દેશભરના લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે.ટેલરની દુકાન ચલાવતા કન્હૈયાલાલ જ તેના પરિવાર માટે કમાણીનો સોર્સ હતો.હવે તેના મૃત્યુથી પરિવારની મુશ્કેલીઓને ઓછી કરવા માટે લોકોએ દિલ ખોલીને દાન આપ્યું છે.બીજેપીના નેતા કપિલ મિશ્રાએ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા કન્હૈયાલાલના પરિવાર માટે ૧.૩૭ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.માત્ર ૨૪ કલાકમાં આટલા રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે અને એ કન્હૈયાલાલના પરિવારને આપવામાં આવ્યા છે.કપિલ મિશ્રા દ્વારા ચલાવવામાં આવેલા કૅમ્પેનમાં ૧૨,૦૦૦થી વધારે લોકોએ પોતાની ક્ષમતા મુજબ સહાય કરી છે.વાસ્તવમાં ૩૦ દિવસમાં એક કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.જોકે માત્ર ૨૪ કલાકમાં ૧.૩૭ કરોડ રૂપિયા એકત્ર થઈ ચૂક્યા છે.કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાંથી પણ લોકોએ મદદ કરી છે.

