– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાજે દિલ્હી રવાના થશે
અમદાવાદ, 10 ડિસેમ્બર 2022, શનિવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવ્યા બાદ આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યાં છે.ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સંમત્તિથી ભૂપેન્દ્ર પટેલના નામ પર સહમતિ આપવામાં આવી હતી.હવે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે ગાંધીનગરમાં રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો છે.બીજી તરફ ભાજપ દ્વારા પણ નવી સરકારની શપથવિધી માટે કવાયત તેજ કરી દીધી છે.
વિપક્ષને ગુજરાતની જનતાએ જવાબ આપી દીધો છેઃ હર્ષ સંઘવી
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વિપક્ષે ગુજરાત અને સ્થાનિક લોકોને ચૂંટણી જીતવા માટે બદનામ કરવાની કોઈ કસર છોડી નથી.પરંતુ જનતાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે.આ સત્તા ચૂંટણીની નહીં પરંતુ સંબંધ અને વિશ્વાસની હતી.જેમાં ફરીવાર ભાજપને જીત મળી છે.જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે અને જનતાની અપેક્ષા પુરી થશે.
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ચાર વાગ્યે દિલ્હી જવા રવાના થશે.બંને જણા હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં મંત્રીમંડળની યાદીને લઈને ચર્ચાઓ કરશે.ત્યાર બાદ કેબિનેટની યાદી મંજુર થશે. દિલ્હીમાં જ ગુજરાતના મંત્રીમંડળ માટે આખરી નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે.કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ ત્રણેય નિરીક્ષકો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારશે.ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ નિર્ણય લેવાઈ શકે છે.


