– ભાજપને ચૂંટણી ફંડ આપનારાંની ફાઇલો ક્લિયર થશે
પ્રદેશ પ્રમુખની સૂચના પછી જ જમીન દલાલો, બિલ્ડર લોબી,કોન્ટ્રાકટરો ઉપરાંત ભાજપને ચૂંટણી ફંડ આપનારાંની ફાઇલો કલિયર થશે.આમ,પ્રધાનોને પાટીલના આદેશનું પાલન કરવુ પડશે.કોનું કામ કરવું અને કોનુ કામ ઠેબે ચડાવવું તે પાટીલ નક્કી કરશે.
મંત્રીઓમાં પણ નારાજગી
નારાજ કાર્યકરોને રાજી કરવાના બહાનારૂપે પાટીલે મંત્રીઓને કમલમમાં બોલાવી કામ લેવા ન્યૂ સ્ટાઇલ અપનાવી છે.જોકે, એવી ચર્ચા છે કે,પાટીલના આ આદેશથી મંત્રીઓ અંદરખાને નારાજ છે.ટૂંકમાં,સોમવારથી કમલમમાં મિની સચિવાલયમાં પરિવર્તિત થઇ જશે.પ્રધાનોની આવન જાવનને પગલે કમલમમાં હવે ધમધમતુ થઇ જશે.
સિનિયર પ્રધાનો અને નેતાઓ પણ નારાજ: પ્રજામાં ખોટો સંદેશો જવાનો ભય, સત્તાના બે કેન્દ્રો ઉભા થઈ રહ્યા છે!
ગુજરાત ભાજપના પ્રમુખ બનતાની સાથે જ સી.આર.પાટીલે દર સોમ-મંગળવારે બે પ્રધાનોને ભાજપના પ્રદેશ કાર્યાલયમાં બેસવાના કરેલા હુકમથી પ્રધાન મંડળમાં નારાજગી ફેલાયેલ છે અને ગુજરાતમાં સત્તાના બે કેન્દ્રો સર્જાઈ રહ્યાં હોય પ્રધાનો માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે કે,મુખ્યમંત્રીની સૂચના માનવી કે,પક્ષ પ્રમુખનો હુકમ માનવો? પાટીલના તઘલખી ફતવાથી સિનિયર મંત્રીઓ અને નેતાઓ પણ ભારે નારાજ છે.તેમનું કહેવું છે કે,પ્રધાનોને ‘કમલમ’માં બેસાડવાથી પ્રજામાં પણ ખોટો સંદેશ જશે.
ભાજપના મંત્રીઓની કફોડી દશા થઇ છે.મંત્રીઓ માટે તો ઇધર કુંઆ,ઉધર ખાઇ જેવો ઘાટ સર્જાયો છે.પ્રદેશ પ્રમુખ પાટીલે કમલમમાં આવી કાર્યકરોને મળવાનો આદેશ કર્યો છે.આ તરફ,મંત્રીઓ માટે મુશ્કેલી એ ઉભી થઇ છેકે, કોનું કીધું કરવું.પાટીલનું કે પછી રૂપાણીનું.સિનિયર મંત્રીઓ તો પાટીલના આ ફતવા રાજી નથી કેમ કે,રૂપાણી સરકારના મંત્રીઓ કામ કરતા નથી,કાર્યકરોને મળતા નથી તેવો એક માહોલ ઉભો કરાયો છે.પાટીલ ભાજપમાં વન મેન શો બનવા તત્પર બન્યાં છે પણ ભાજપમાં અત્યારથી ડખાં શરૂ થયા છે.
પાટીલના હુકમને પગલે સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સવારે 11થી સાંજના પ વાગ્યા સુધી કમલમમાં કાર્યકરોને મળી પ્રશ્નો સાંભળશે.દબાણથી માંડીને જમીનના વિવિધ પ્રશ્નોને લઇને કાર્યકરો રજૂઆત કરશે.આ ઉપરાંત મંગળવારે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર કમલમ પર કાર્યકરોના પ્રશ્નોની વિગતો જાણીને ઉકેલ કરવા પ્રયાસ કરશે.
સોમવાર અને મંગળવારે બે મંત્રીઓના કાર્યક્રમ નક્કી કરાયા છે.કમલમમાંથી દર સપ્તાહે બે મંત્રીઓને બોલાવવામાં આવશે.કયા વિભાગના પ્રશ્નો વધુ છે તે આધારે મંત્રીઓને કમલમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવશે.ભાજપના કાર્યકરોને હવે સચિવાલયમાં જવાની જરૂર નથી બલ્કે કમલમમાં જ પ્રશ્ન ઉકેલાઇ જશે.


