– પોલીસે 10-10ના ગૂ્રપમાં આરોપીઓ રજૂ કર્યા
– આપના કાર્યકરોને લઈને પહોંચેલી લકઝરી બસના ડ્રાઈવર પણ આરોપી:ગાંધીનગર કોર્ટમાં ભારત માતાકી જયના નારા લાગ્યા
ગાંધીનગર : હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફુટવાના મુદ્દે ગઈકાલે આમ આદમી પાર્ટીએ કોબા કમલમ્ ખાતે હલ્લાબોલ કર્યું હતું જે સંદર્ભે પ00થી વધુના ટોળા સામે રાયોટીંગ અને ગુનાહિત ષડયંત્ર હેઠળ ગુનો દાખલ થયો હતો.જે ગુનામાં પોલીસે આપના પ્રદેશ પ્રમુખ તેમજ ર8 મહિલા કાર્યકરો મળી 93ની ધરપકડ કરી હતી.જેમને કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે તમામ આરોપીઓને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.કોર્ટમાં હાજર થયેલા આરોપીઓએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા.આ સમયે સઘન સલામતી વ્યવસ્થા કોર્ટ સંકુલમાં ગોઠવવામાં આવી હતી.કોર્ટમાં એક સાથે આરોપીઓને લઈ જવા પોલીસ માટે મુશ્કેલ હોવાથી 10-10ના ગૃ્રપમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ જ ફુટી ગયું હતું જેમાં પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીની સંડોવણી બહાર આવી છે ત્યારે આ પેપર ફુટવાના મામલે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજયમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ગઈકાલે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકરો સચિવાલયમાં વિરોધ કરવા આવવા નીકળ્યા હતા પરંતુ સીધા જ કોબા કમલમ્ ખાતે પહોંચી ગયા હતા.
જયાં કાર્યાલયની બહાર આપના આ કાર્યકરોએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને ભાજપ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.ત્યાં પહોંચેલી પોલીસે કાર્યકરો ઉપર લાઠીચાર્જ કરીને તેમની અટકાયત કરી હતી ત્યારે આ મામલે ભાજપના મહિલા કાર્યકરે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા,નેતા ઈશુદાન ગઢવી,પ્રવિણ રામ સહિત પ00ના ટોળા સામે તોડફોડ,રાયોટીંંગ,છેડતી અને ગુનાહિત ષડયંત્રની ફરિયાદ આપતાં પોલીસે આ ગુનામાં ધરપકડ કરી હતી.
ગાંધીનગર પોલીસે ચુસ્ત સલામતી વ્યવસ્થા સાથે આ આરોપીઓને સે-ર7 પોલીસ હેડકવાર્ટસમાં રાખ્યા હતા જે પૈકી ર8 જેટલી મહિલા કાર્યકરોને ગઈકાલે રાત્રે જ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. આજે પણ પોલીસે ધરપકડ કરેલા 6પ જેટલા આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટમાં કોઈ હલ્લાબોલ ના થાય તે માટે દસ-દસના ગૃ્રપમાં આરોપીઓને ચુસત સલામતી વ્યવસ્થા સાથે લાવવામાં આવ્યા હતા.જયાં તેમની જામીન અરજી નામંજુર થઈ હતી અને આ તમામ આરોપીઓને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.કોર્ટમાં પહોંચેલા આપના કાર્યકરોએ ભારત માતાકી જયના નારા પણ લગાવ્યા હતા.કોર્ટ સંકુલ ફરતે પણ પોલીસ દ્વારા સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.આમ આદમી પાર્ટી દ્વારા હવે જેલમાં મોકલાયેલા આરોપીઓને જામીન મળે તે માટે ઉપલી કોર્ટમાં અરજી કરવામાં આવશે.