– મૉડલ-ઍક્ટ્રેસને ફિલ્મમાં રોલ અપાવવાના બહાના હેઠળ તેના પર જાતીય હુમલો કરવાના કેસમાં તેની ધરપકડ થઈ
મુંબઈ : બૉલીવુડના પ્રોડ્યુસર, ઍક્ટર અને ફિલ્મ-ક્રિટિક કમાલ ખાનની મલાડ પોલીસે ગયા અઠવાડિયે વિદેશમાંથી પાછા ફરતાં જ ધરપકડ કરી હતી.હવે ગઈકાલે વર્સોવા પોલીસે મૉડલ અને ઍક્ટ્રેસને ફિલ્મમાં રોલ અપાવવાના ઓઠા હેઠળ તેના પર જાતીય હુમલો કરવા સંબંધે ૨૦૧૯માં રજિસ્ટર્ડ કરાયેલા એક કેસમાં તેની ધરપકડ કરી છે.
કમાલ ખાનને મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.બાંદરા પોલીસ એલજીબીટીક્યુ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા ૨૦૧૯માં તેની સામે નોંધાયેલા અન્ય એક કેસ માટે તેને કસ્ટડીમાં લેશે.આ એફઆઇઆર વડોદરાના એક સ્ટુડન્ટે નોંધાવી હતી.કમાલ ખાને આ અભદ્ર ટિપ્પણી કરી તે સમયે વડોદરાનો આ સ્ટુડન્ટ બાંદરામાં રહેતો હોવાથી આ કેસ સાથે બાંદરા પોલીસ જોડાયેલી છે.કમાલ ખાન પર અશ્લીલતા,સાંપ્રદાયિક વિખવાદને પ્રોત્સાહન આપવું,બે વર્ગો વચ્ચે દ્વેષ અથવા દુશ્મનાવટ પેદા કરવાના હેતુથી નિવેદનો કરવાં તેમ જ આઇપીસી હેઠળ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો.
વર્સોવા પોલીસે જણાવ્યા મુજબ કમાલ ખાને મૉડલ-કમ-ઍક્ટ્રેસને પાર્ટીના બહાને તેની ઑફિસમાં બોલાવી હતી,જ્યાં તેણે કથિત રીતે પોતે ફિલ્મ શરૂ કરી રહ્યો હોવાનું કહી એમાં મુખ્ય ભૂમિકા ઇમરાન હાશમી નિભાવશે એમ જણાવ્યું હતું.
વર્સોવા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે મૉડલ-ઍક્ટ્રેસે આપેલા નિવેદન મુજબ ત્યાં કોઈ પાર્ટી નહોતી અને તે એકલી જ હતી. કમાલ ખાન તેને એક રૂમમાં લઈ ગયો હતો જ્યાં તેના પર જાતીય હુમલો કર્યો હતો.પોતાની કારકિર્દી બરબાદ થઈ જવાના ડરે તેણે ફરિયાદ નહોતી કરી,પરંતુ તેના મિત્રોને આ ઘટનાની જાણ કરી હતી.તેના મિત્રો તેને સમજાવવામાં સફળ રહ્યા બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.