મુંબઇ : કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જિયો રિલીઝ પહેલાં જ વિવાદમાં સપડાઈ છે.આ ફિલ્મની સમગ્ર વાર્તા અને એક ગીત પણ ચોરીથી ઉઠાવી લેવામાં આવ્યાં હોવાનો આક્ષેપ મૂળ લેખક તથા ગીતકારો તરફથી કરવામાં આવ્યો છે.પાકિસ્તાની ગાયક અને ગીતકાર અબરાર ઉલ હક્કએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે તેનું નચ પંજાબન આ ફિલ્મમાં બેઠું ઉઠાવી લેવામાં આવ્યું છે.પોતે આ ગીતના કોપીરાઈટ કોઈને આપ્યા નથી કે કોઈએ તેનો સંપર્ક કર્યો નથી.કોઈએ તેને આ ગીત પ્લે કરવા કે રિક્રિએટ કરવા માટે પરવાનગી માગી પણ નથી.અબરાર ઉલ હક્કે જણાવ્યું હતું કે કરણ જોહર જેવા મોટા નિર્માતા પાસથી તેને આ અપેક્ષા ન હતી.પોતે કાનૂની પગલાં ભરશે.જોકે, ફિલ્મના મ્યુઝિક રાઈટસ ધરાવતી કંપની એ દાવો કર્યો હતો કે ગીતના કાનૂની હક્કો મેળવવા માટે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે.બીજી તરફ ક્રિએટિવ પ્રોડયૂસર વિશાલ સિંઘે દાવો કર્યો હતો કે પોતે બે વર્ષ પહેલાં ધર્મા પ્રોડક્શન્સને બન્ની રાની ફિલ્મની વાર્તા મોકલી હતી જેમાં સંતાનો સેટ થયા બાદ મીડલ એજ્ડ કપલ છૂટાછેડા લે છે તેવી વાર્તા છે.આ માટે ધર્માના પદાધિકારી સાથે ઈમેઇલ સંપર્ક થયો હતો,તેમને સ્ટોરી મોકલવામાં આવી હતી અને સહનિર્માણની ઓફર કરવામાં આવી હતી.પોતે આ વાર્તા સ્ક્રીનરાઈટર એસોસિએશનમાં રજિસ્ટર પણ કરાવી હતી.કોઈ જાતની ક્રેડિટ કે ચર્ચા વિના વાર્તા બેઠી તફડાવીને આ ફિલ્મ બનાવી દેવામાં આવતાં વિશાલ સિંઘને આઘાત લાગ્યો છે.જુગ જુગ જિયોમાં અનિલ કપૂર અને નીતુ સિંહ સાથે વરુણ ધવન અને કિયારા અડવાણી પણ છે.


