અમદાવાદ : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની રૂ. ૯૪.૫૪ કરોડની ચોરીના કેસમાં ‘કરમચંદ’ બ્રાન્ડના પાન મસાલાના માલિક બસંત ફેરુમલ મખીજાની ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ ( DGGI)ની અમદાવાદ શાખાએ ૦૯ ડિસેમ્બરે ધરપકડ કરી છે. મખીજા સામે જે આરોપ છે તે કલમ ૧૩૨ (૧)(i) અને સીજીએસટી કાયદો-૨૦૧૭ની કલમ ૧૩૨(૫) મુજબ બિનજામીન પાત્ર છે. DGGIની તપાસમાં જાણવા મળ્યું છે કે M/s આશિષ એન્ટરપ્રાઇઝિઝ એ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ‘કરમચંદ’ પાન મસાલા અને જરદાનું ઉત્પાદન કરીને તેને જીએસટી ભર્યા વગર જ સપ્લાય કરે છે. DGGIએ આ કંપનીના મુખ્યમથક ગ્વાલિયર તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશના ડીલર્સના સ્થાને તપાસ કરી હતી. જેમાં, વિવિધ ગેરરીતિ સાથેના રેકર્ડ અને દસ્તાવેજ મળી આવ્યા છે.
DGGIના મતે,આરોપીની કરચોરીની મોડસ ઓપરેન્ડી એ હતી કે તે કરમચંદ પાન મસાલા સાથે કેસી ૧,૦૦૦ જાફરાની જરદા (ચાવવાની તમાકુ) સપ્લાય કરતા હતા. આ પ્રોડક્ટ પર સપ્લાયર જીએસટી ટેક્સ ઇનવોઇસ રાખતા ન હતા,જીએસટી અને સેસની ચુકવણી પણ કરતા ન હતા.સપ્લાયર કરમચંદ પાન મસાલાની ચાર બેગની સાથે જાફરાની જરદાની ૧ બેગ સપ્લાય કરતા હતા.આ સમગ્ર લેવડદેવડની તપાસ કરતા વિગત બહાર આવી છે કે,આશિષ એન્ટરપ્રાઇઝે જાન્યુઆરી-૨૦૧૯થી નવેમ્બર-૨૦૨૦ સુધી સેસ સાથે જીએસટીની રૂ. ૯૪,૫૪,૦૬,૦૫૪ની ચોરી કરી છે.આ કેસમાં, DGGIએ બસંત ફેરુમલ મખીજાને ૦૯ ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કર્યા હતા.જેમાં,કોર્ટે તેને ૨૨ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.


