– કેસોનો સામનો કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાજપ સાથે વાતચીત થઈ રહી હોવાનો કુમારસ્વામીનો દાવો
– કુમારસ્વામીએ કહ્યું, કોંગ્રેસી નેતા કેસોથી બચવા ગમે ત્યારે ભાજપમાં સામેલ થશે, કર્ણાટકમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાશે
કર્ણાટક, તા.12 નવેમ્બર-2023, સોમવાર : કર્ણાટકમાં મોટી રાજકીય ઉથલ-પાથલ થવાનો અને કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની તૈયારીઓ થઈ રહી હોવાનો JDSએ દાવો કર્યો છે.આ ચોંકાવનારું નિવેદન જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી.કુમારસ્વામીએ આપ્યું છે.તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે.તેમણે એમ પણ કહ્યું કે, સત્તાધારી કોંગ્રેસના એક દિગ્ગજ મંત્રી કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલ કાયદાકીય મુશ્કેલીઓથી બચવા ભાજપમાં સામેલ થવાનું વિચારી રહ્યા છે.આ જ કારણે તેઓ BJPના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
કોંગ્રેસ સરકારમાં વિખવાદ ?
જેડીએસ નેતાએ પત્રકારોને જણાવ્યું કે, કોંગ્રેસ સરકાર વિખવાદ ચાલી રહ્યો છે.તેઓ જાણતા નથી કે, કોંગ્રેસની સરકાર ક્યારે પડશે.એક મંત્રી પોતાના વિરુદ્ધ કેસોથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.કુમારસ્વામીએ વધુમાં કહ્યું કે, કેન્દ્રએ તે નેતા વિરુદ્ધ એવા કેસો નોંધ્યા છે,જેમાંથી બચવાની કોઈ સંભાવના નથી. જ્યારે પત્રકારોએ નામ પૂછ્યું તો તેમણે કહ્યું કે, નાના નેતાઓ પાસે આવી આશા ન રાખી શકાય,માત્ર પ્રભાવશાળી લોકો જ આવું કરી શકે છે.તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પણ કોઈપણ સમયે મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.વર્તમાન રાજકીય માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે, કંઈપણ થઈ શકે છે.
કુમારસ્વામીના નિવેદન પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ
કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ કહ્યું કે, કર્ણાટકમાં ચૂંટણી બાદ જેડીએસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી.જેડીએસ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે.ખડગેએ વધુમાં કહ્યું કે, બીઆરએસે ભાજપ સાથે ગઠબંધન કર્યું.તેઓ એક પક્ષ તરીકે પોતાની સ્થિતિ સુનિશ્ચિત કરવા જે કરી શકે છે,તેઓ તે કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસનો સફાયો થવાની વાત ભુલી જાવ.ચૂંટણી પહેલા જેડીએસ પણ નહીં રહે અને ભાજપ પણ નહીં રહે.