બેંગ્લોર, 18 ફેબ્રુઆરી,2022,શુક્રવાર : કર્ણાટકના ઉડીપી શહેરથી હિજાબ પહેરવાનો વિવાદ શરુ થયો તેના પડધા સમગ્ર દેશમાં પડયા હતા. હિજાબના સમર્થન અને વિરોધમાં દેખાવો અને પ્રદર્શન શાંત પડયાને હજુ વધારે સમય થયો નથી ત્યારે માથા પર કુમકુમ એટલે બિંદી લગાવીને કેમ્પસમાં પ્રવેશ કરવાનો વિવાદ શરું થયો હોવાનું જાણવા મળે છે.આ બિંદીને કોલેજવાળાએ ભૂંસવાનું કહેતા મામલો બિચકયો હતો.આ વાત પ્રસરી ત્યારે યુવતીઓના સમર્થનમાં કેટલાક લોકો કેમ્પસ નજીક એકઠા થયા હતા.
વિધાર્થીનીઓએ આને પોતાની સંસ્કૃતિનો એક ભાગ ગણાવીને વિરોધ કર્યો પરંતુ છેવટે પોલીસે તકેદારી રાખીને મામલાની ગંભીરતા સમજીને શાંત પાડયો હતો. હિજાબ વિવાદ પણ ઉડીપીની એક સરકારી કોલેજમાં 6 મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરીને નહી આવવા કોલેજ સંચાલન દ્વ્રારા જણાવવામાં આવતા શરું થયો હતો.આમ તો કોલેજમાં પહેલા પણ નિયમ હતો જ પરંતુ કોરોના મહામારીના પગલે ઘણા સમય પછી કોલેજ શરુ થઇ હતી.એ સમયે હિજાબ પહેરીને આવેલી કોલેજ યુવતિઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.હિજાબ પહેરવાના વિવાદને કર્ણાટક હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે તેની સુનાવણી ચાલી છે.

