નવી દિલ્હી, તા. ૧૭ : દેશમાં રામનવમી પછી હનુમાન જન્મોત્સવના વધુ એક હિન્દુ તહેવારના પ્રસંગે અનેક જગ્યાઓ પર કોમી હિંસાની ઘટનાઓ ઘટી હતી.દક્ષિણમાં કર્ણાટકના હુબલીમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ મુદ્દે શનિવારે મોડી રાત્રે અંદાજે એક હજાર લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતાં ૧૨ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.બીજીબાજુ આંધ્ર પ્રદેશના કુરનૂલમાં શનિવારે હનુમાન જન્મોત્સવ પ્રસંગે શોભાયાત્રા વચ્ચે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.દિલ્હીના જહાંગીરપુર અને ઉત્તરાખંડના રુરકીમાં પણ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને હિંસાની ઘટનાઓ ઘટી હતી.ઉત્તર પ્રદેશના બુલંદશહેર, ગાઝિયાબાદ અને નોઈડામાં હાઈએલર્ટ જાહેર કરાઈ હતી.દેશમાં વધુ એક હિન્દુ તહેવારમાં કોમી તોફાનોથી તંગદિલી છવાઈ ગઈ છે.કર્ણાટકના હુબલીમાં શનિવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં પોલીસે અત્યાર સુધીમાં ૪૬ લોકોની ધરપકડ કરી છે અને આ ઘટના પછી શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.પોલીસના જણાવ્યા મુજબ હુબલી શહેરના ઓલ્ડ હુબલી પોલિસ સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે પથ્થરમારો કરાયો હતો ત્યાર પછી ગુસ્સેભરાયેલા ટોળાએ પોલીસની ગાડીઓને આગ લગાવી દીધી.આ હુમલામાં ૧૨ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી, જેમાં બેની સ્થિતિ ગંભીર છે ભીડને શાંત કરવા અને વેરવિખેર કરવા પોલીસે અશ્રુવાયુના ગોળા છોડવા પડયા હતા.પોલીસ કમિશનર લાભુરામે કહ્યું કે, એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજ અંગે એક આપત્તિજનક પોસ્ટ શૅર કરી હતી.આ પોસ્ટ અંગે કેટલાક લોકોએ વાંધો ઉઠાવતા પોલીસમાં ફરિયાદ કરી હતી.પોલીસે તુરંત કાર્યવાહી કરતાં પોસ્ટ કરનાર યુવકની ધરપકડ કરી લીધી હતી.પરંતુ મુસ્લિમો પોલીસની આ કાર્યવાહીથી સંતુષ્ટ થયા નહોતા અને તેઓ મોટી સંખ્યામાં ઓલ્ડ હુબલી પોલીસ સ્ટેશન બહાર એકત્ર થવા લાગ્યા અને હોબાળો મચાવ્યો હતો.થોડી જ વારમાં જોતજોતામાં હિંસા ફાટી નીકળી હતી.પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટના સામે આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે આ હુમલો સંગઠિતરૂપે કરાયો હોવાનું લાગે છે.પ્રદેશના ગૃહમંત્રી અરાગા જ્ઞાાનેન્દ્રે કહ્યું કે આરોપીઓની ધરપકડ કરાઈ છે.પોલીસ કેસની તપાસ કરી રહી છે.આ ઘટના પૂર્વનિયોજિત હોવાની શક્યતા છે.દરમિયાન આંધ્ર પ્રદેશના કુરનૂલના હોલાગુંડા વિસ્તારમાં શનિવારે રાત્રે હિંસક અથડામણ થઈ હતી.કુરનૂલના એસપી સુધીર રેડ્ડીએ કહ્યું કે, વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ હનુમાન જન્મોત્સવની ઊજવણી કરતાં શોભાયાત્રા કાઢી હતી, જેમાં પોલીસના આદેશથી વિરુદ્ધ ડીજેનો ઉપયોગ કરાયો હતો.શોભાયાત્રા દરમિયાન એરલા કટ્ટાની મસ્જિદમાં ઈફ્તારી પહેલાની નમાઝ ચાલી રહી હતી.તે સમયે શોભાયાત્રા નિકળી રહી હતી.આક્ષેપ છે કે મસ્જિદ બહારથી પસાર થતી વખતે ડીજેનો અવાજ ઘણો જ વધારે હતો, જેનો મસ્જિદની અંદરના લોકોએ વિરોધ કર્યો.ત્યાર પછી બંને જૂથો વચ્ચે વાત વધી ગઈ અને હિંસા ફાટી નીકળી.બંને જૂથો વચ્ચે ૧૦ મિનિટ સુધી સામ-સામે પથ્થમારો થતો રહ્યો.પોલીસે ઘટનાના વીડિયો ફૂટેજના આધારે ૨૦ લોકોની અટકાયત કરી છે.હોલાગુંડામાં પણ સરકારે તુરંત કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે.અહીં સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે.દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન શોભાયાત્રા પર હુમલાને પગલે તોફાનો ફાટી નિકળ્યા પછી સ્થિતિ તણાવપૂર્ણ છે જ્યારે પોલીસે આ ઘટનામાં ૨૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.વધુમાં પોલીસે આ ઘટનામાં સાત એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.પોલીસે રવિવારે આરોપીઓને રોહિણી કોર્ટમાં રજૂ કર્યા હતા.પોલીસે કહ્યું કે, મુખ્ય આરોપી અંસાર અને અસલમને ૧૫મી એપ્રિલે શોભાયાત્રા અંગે માહિતી મળી હતી.ત્યાર પછી તેમણે શોભાયાત્રા પર હુમલાનું કાવતરું રચ્યું હતું.
રોહિણી કોર્ટે અંસાર અને અસલમને એક દિવસના પોલીસ રિમાન્ડ અને ૧૨ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા.જહાંગીરપુર હિંસામાં ખાનગી ગોળીબાર સહિત હિંસા સંબંધિત અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.તોફાનોના પગલે દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ થતાં પોલીસે અનેક જગ્યાએ ફ્લેગમાર્ચ કરી હતી.પોલીસ તોફાનોમાં સામેલ લોકોની ઓળખ માટે ડ્રોન અને ફેસ રિકગ્નિશન સોફ્ટવેરની મદદ લઈ રહી છે.વધુમાં દિલ્હીમાં હિંસા પછી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, બુલંદશહર અને નોઈડામાં પણ તંત્ર હાઈલેર્ટ પર આવી ગયું હતું અને પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી.દરમિયાન ભાજપના સાંસદ હંસરાજ હંસે દાવો કર્યો હતો કે, આ તોફાનો પાછળ વિદેશી હોથ હોવાની શંકા છે.દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવા માટે હિન્દુ તહેવારોમાં તોફાનો થઈ રહ્યા છે.
કર્ણાટક, આંધ્ર, દિલ્હીમાં કોમી તોફાનોથી તંગદિલી
Leave a Comment