– PM મોદી, CM ભુપેન્દ્ર પટેલ,અમિત શાહ,આનંદીબેન પટેલ સહિતનાઓએ મતદાન કર્યું
– બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન
– કલોલમાં પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર અને વિરોધપક્ષ વચ્ચે ગાળાગાળી અને મારામારી થઈ
કલોલ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો બહાર લાઈનો લગાવી રહ્યાં છે,ત્યારે આ મતદાનના માહોલ વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે.કલોલ 38-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.તે બાદ ચોક્કસ પક્ષના લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત ગાળાગાળીથી મારામારી સુધી પહોંચી ગઈ હતી.પોલીસને જાણ કરવામાં આવતા તેમણે ઘટના સ્થળે આવીને મામલો શાંત કર્યો હતો.
શું છે આખી ઘટના?
દીકરાના સ્કૂલની બહાર વિરોધપક્ષ દ્વારા એક પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવ્યું હતું,જેમાં મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતા હતા.આ પ્રાઇવેટ ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવા માટે જણાવવામાં આવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે કર્યો હતો.આ સાથે બળદેવજી ઠાકોર સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે ટેબલ હટાવી લેવાનું કહેતાં વિરોધપક્ષના લોકો વચ્ચે બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
પોલીસે એક્શન લીધી
પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને એક્શન લેતા પરિસ્થિતિને શાંત કરી હતી.તેમજ ત્યાં મૂકવામાં આવેલું ટેબલ હટાવ્યું હતું.ગાંધીનગરના કલોલમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર મારો થવાની ઘટના સામે આવી છે.આ અગાઉ ભાજપના કાર્યાલય પર પથ્થરમારો થયો હતો.કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટનામાં વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે,તો પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.જ્યાં ઘટના બની ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.
વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ચેરમેન રોકડ સાથે પકડાયા
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક ઉપર ભાજપના એક અગ્રણી કાર્યકર રોકડ રકમ સાથે પકડાયો હોવાનો વિડિયો વાયરલ થયો છે.ભાજપના વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજેન્દ્ર પટેલ રૂપિયા વહેંચણી કરવા નીકળ્યા હોવાનો એક વિડિયો વાયરલ થયો છે.વીડિયોમાં સ્ક્વોડના માણસો રાજેન્દ્ર પટેલની જડતી લેતા દેખાય છે અને તેમની પાસેથી રોકડા રૂ. પોણો લાખ જેટલી રકમ રિકવર કરતા નજરે પડે છે.આ બનાવ નિમેટા નજીક બન્યો હોવાનું જાણવા મળ્યું છે.જોકે અધિકારીઓ આ વિસ્તાર વાઘોડિયામા નહીં આવતો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે તેમજ અધિકારીઓ પણ આ બાબતે કાંઈ કહેવા તૈયાર નથી.


