મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૯ બાંદરાના અધિકારીઓએ મટકા કિંગ સુરેશ ભગતથી છૂટી પડેલી તેની પત્ની જયા છેડા અને અને ઘાટકોપરમાં રહેતી તેની બહેન આશાની હત્યા કરવા ઉત્તર પ્રદેશથી આવેલા બે કૉન્ટ્રૅક્ટ કિલરને ઝડપી લીધા હતા.તેમની પૂછપરછમાં જયા છેડાના દિયર અને મટકા કિંગ સુરેશ ભગતના સગા ભાઈ વિનોદ ભગતે જ એ માટે તેમને લંડનથી ૬૦ લાખ રૂપિયાની સુપારી આપી હોવાનું જણાતાં પોલીસે વિનોદ ભગત અને અન્ય બે મળીને કુલ પાંચ આરોપીની આ ચોંકાવનારા કેસમાં હાલ સુધી ધરપકડ કરી છે.
બાંદરા ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર ગોપાલેએ આ વિશે કહ્યું હતું કે ‘આ તેમની અંદર-અંદરની લડાઈ છે.કલ્યાણ મટકા પર અત્યારે જયા છેડાની બહેન આશાનો અંકુશ છે.આ ધંધો વિનોદ ભગત લાંબા સમયથી પોતાના આધિપત્યમાં લેવા માગે છે.મટકાના ધંધા પર વર્ચસ્વ જમાવવા વિનોદ ભગતે જયા અને આશા એમ બન્નેની હત્યા કરવા ૬૦ લાખની સુપારી આપી હતી.અમે વિનોદ ભગત સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે.’
સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર ગોપાલેને ખબરી નેટવર્કમાંથી માહિતી મળી હતી કે ઉત્તર પ્રદેશથી બે જણ મુંબઈમાં બે મહિલાઓની હત્યા કરવા શસ્ત્રો સાથે આવ્યા છે. આથી ૧૮ ડિસેમ્બરે સાંજે ૪.૪૫ વાગ્યે ખારદાંડાના દાંડપાડા બસ-સ્ટૉપ પાસેથી બે જણને તાબામાં લેવાયા હતા.તેમની પાસેથી બે દેશી ગન અને એની ૬ બુલેટની સાથે બે મહિલોના ફોટો મળ્યા હતા.તેમની પૂછપરછમાં જણાયું હતું કે લંડનથી તેમને એ માટે ૬૦ લાખ રૂપિયાની સુપારી અપાઈ હતી.આથી તપાસ કરીને આ હત્યા કરવાનું પ્લાનિંગ કરનાર વિનોદ ભગત સહિત અન્ય આરોપીઓને પણ ઝડપી લેવાયા છે. તેમને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૨૮ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.