અમદાવાદ,શુક્રવાર,13 મે,2022 : કવોરી ઉત્પાદકોની રાજયવ્યાપી હડતાળના પગલે અમદાવાદમાં સોથી વધુ રોડ રીસરફેસ કરવા તેમજ નવા રોડ બનાવવાની કામગીરી બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.આ હડતાળ જો લાંબો સમય ચાલશે તો શહેરમાં ચોમાસા પહેલા તમામ રોડ રીસરફેસ થઈ નહીં શકે.પહેલી જુનથી અમદાવાદ મ્યુનિ.નો મોન્સુન કંટ્રોલરુમ શરુ કરાશે.શહેરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતા હોય એવા ૯૫ જેટલા વોટર લોગીગ સ્પોટ છે.
રોડ કમિટીની બેઠક બાદ ચેરમેન મહાદેવ દેસાઈએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,કવોરી ઉત્પાદકોની હડતાળના કારણે થોડા દિવસ પહેલા રોજ ૫૦૦ ટન જેટલા મટીરીયલથી રોડ રીસરફેસની કામગીરી થતી હતી.પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી આ કામગીરી પણ બંધ કરવી પડી છે.કવોરી ઉત્પાદકોની હડતાળના કારણે અમદાવાદમાં રોડ રીસરફેસ ઉપરાંત નવા રોડ બનાવવાની કામગીરી બંધ કરવાની ફરજ પડી છ.હાલમાં ફૂટપાથના કામ ચાલી ચાલી રહ્યા છે.આમ છતાં રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી તમામ દરખાસ્ત મંજુર કરાઈ છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,સ્ટેન્ડીગ કમિટીએ નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરના રોડના ત્રણ ટેન્ડરને મટીરીયલના ભાવમાં વધારો થયો હોવાનું કારણ આગળ ધરી મંજુરી આપી હતી.આજે મળેલી રોડ કમિટીમાં અંદાજથી ૨૨ ટકાથી લઈ ૩૭ ટકા સુધી ઓછા ભાવથી વિવિધ કામોને મંજુરી અપાઈ છે.આ કામો કોન્ટ્રાકટરોએ રીંગ બનાવી વહેંચી લીધા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.ડામર-કપચીના ભાવ એક કામમાં વધી જાય અને બીજા કામમાં ઘટી જાય એ કેવી રીતે શકય બને?
ચોમાસા અગાઉ શહેરના સાત ઝોનમાં પહેલા રાઉન્ડમાં ૫૪,૬૯૩ કેચપીટ સાફ કરાઈ છે.શહેરના આઠ અંડરપાસમાં વરસાદી પાણી ન ભરાય એ માટે પંપની વ્યવસ્થા કરાશે.ઝોન દીઠ એક વરુણ પંપ વરસાદી પાણીના નિકાલ માટે મુકવા આયોજન કરાશે.મ્યુનિ.ના મોન્સૂન કંટ્રોલરુમમાં શહેરના વિવિધ વિસ્તારમાં લગાવાયેલા ૨૫૦૦થી વધુ સી.સી.ટી.વી.કેમેરાનું મોનિટરીંગ કરાશે.જે વિસ્તારમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી કામ થતુ હોય ત્યાં સોસાયટી રજીસ્ટર થયેલી છે કે કેમ? એ અંગે પુછવામાં આવે છે.આ અંગે નિતી દરેક સ્કીમમાં સરખી રીતે લાગૂ થવી જોઈએ એવુ કમિટીના સભ્યોએ સુચન કર્યુ હતું.


