કાબુલ, 4 એપ્રિલ 2020 શનિવાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 25 માર્ચનાં દિવસે ગુરૂદ્વારા પર થયેલા હુમલાનાં આરોપમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ (ISKP)નાં વડા મૌલવી અબ્દુલ્લા ઉર્ફે અસલમ ફારૂખીની અફઘાન સુરક્ષાદળોએ વિશેષ અભિયાન ચલાવીને ધરપકડ કરી છે.
પાકિસ્તાની નાગરિક મૌલવી અબ્દુલ્લા પહેલા પ્રતિબંધિત સંગઠન લશ્કરે તોયબા સાથે સંકળાયેલો હતો, અને ત્યાર બાદ આતંકી સંગઠન તહરીકે તાલિબાન સાથે જોડાયો હતો, ત્યાર બાદ અસલમ ફારૂખીને એપ્રિલ 2019માં આઇએસકેપીનાં નેતા ઝિયા ઉલ હક્ક ઉર્ફ ઉમર ખુરાસાનીનું સ્થાન લીધું હતું.
ફારૂખી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદે ઓરકઝાઇનો રહેવાસી મામોઝઇ કબીલાનો છે. કાબુલ અને દિલ્હીનાં કાઉન્ટર ટેરર ઓપરેટિવ્સનાં જણાવ્યા પ્રમાણે હક્કાની નેટવર્ક અને લશ્કરે તોયબાની સુચના પર મૌલવી ફારૂખીએ તિકરીપુરનાં વતની મોહસીન અને અન્ય ઉર્દુ-પંજાબી બોલનારા લોકોનો પણ આ હુમલામાં ઉપયોગ કર્યો હતો.
કાબુલમાં શોર બજારમાં થયેલા આતંકી હુમલામાં 27 શિખ મહિલા અને પુરૂષોનાં મોત થયા હતાં, મુહસીન આ હુમલામાં માર્યો ગયો અને કેરળમાં તેનાં મોત અંગે તેની માતાને જાણ કરવામાં આવી હતી.
મૌલવી સાથે હવે અફઘાન નેશનલ ડાયરેક્ટ્રેટ ઓફ સિક્યોરીટી એ બાબતની તપાસ કરશે કે આખરે નિર્દોશ શિખોને મોતને ઘાટ ઉતારવાનો આદેશ કોણે આપ્યો હતો, અને આ આતંકી ઘટનામાં પાકિસ્તાનની શું ભુમિકા હતી.