બારડોલી : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામની સીમમાં ટ્રક ચાલકને ચપ્પુની અણીએ લૂંટવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબીની ટીમે બે આરોપીની અટક કરી છે.પોલીસે તેમની પાસેથી 17 હજાર 870 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત 22મી ડિસેમ્બરના રોજ કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની હદમાં ફાઉન્ટેન હોટલ પાસે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક ચાલકને રાત્રિના અંધારામાં ત્રણ અજાણ્યા આરોપીઓએ ચપ્પુ બતાવી મોબાઇલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી હતી. આ અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનાને ઉકેલવા માટે ગ્રામ્ય પોલીસની એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાય હતી.એલસીબીની અલગ અલગ ટીમો બુધવારના રોજ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રહે બાતમી મળી હતી કે, ધોરણ પારડી ગામની સિમમાં ટ્રક ચાલકને અનિકેત વસાવા અને તેના મિત્ર નિલેષ વસાવાએ અન્ય સાગરીતો સાથે મળીને લૂંટયો હતો.અને એ બંને હાલ ધોરણ પારડી ગામની હદમાં ઘલા રોડ પર ગાય પગલાં જવાના ત્રણ રસ્તા પાસે ઊભા છે.જેમાં અનિકેત શરીરે કાળા રંગનું શર્ટ અને પેન્ટ તથા નિલેશે શરીરે આસમાની ટીશર્ટ પહેરેલ છે.જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી બંને આરોપીને દબોચી લીધા હતા.તેમની તલાશી લેતા રોકડ રકમ, મોબાઇલ ફોન મળી કુલ 17 હજાર 870 રૂપિયાનું મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસ પૂછપરછમાં બંનેએ પોતાના મિત્ર સાથે મળી ટ્રક ચાલકને ચપ્પુ બતાવી રોકડ અને મોબાઇલ ફોન લૂંટી લીધા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે બંને આરોપીને કામરેજ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.