સુરત : સુરત જિલ્લાના કામરેજના હિંદુ સતવારા સમાજના બ્રેઇનડેડ મહિલાની કીડની અને ચક્ષુઓના અંગદાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.
મુળ બોટાદના અળવગામના વતની અને હાલમાં કામરેજ કેનાલ રોડ પર મહાવીર રેસીડન્સીમાં રહેતા અને સાડીમાં સ્ટોનનું કામ કરતા ૪૬ વર્ષીય ગીતાબેન ભરતભાઇ પરમાર ગત તા.૧૨મી બપોરે વરાછામાં રહેતા તેમના બહેનના ઘરેથી પુત્ર વિશાલ સાથે બાઇક પર જતા હતા.તે સમયે ચીકુવાડી ચોપાટી પાસે બાઇક પરથી ગીતાબેન નીચે પટકાતા ઇજા થઇ હતી.તેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ત્યાં તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
ગત તા.૧૬મીએ ડોક્ટરની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.ડોનેટ લાઇફના સંપર્ક બાદ બંનેના પરિવાર અંગદાન માટે સંમત થયા હતા.દાનમાં મળેલી કિડની સુરતમાં રહેતા ૬૬ વર્ષીય રહીશને,બીજી કિડની બારડોલીમાં રહેતા ૩૯ વર્ષીય રહીશને સુરતની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી.લીવર ફેટી હોવાનું દાન થઇ શક્યુ નહી.જયારે દાનમાં મળેલા ચક્ષુ પૈકી એક સુરતમાં રહેતા ૪૦ વર્ષીય મહિલા અને અને બીલીમોરામાં રહેતા ૬૯ વર્ષીય વૃધ્ધાને ટ્રાન્સ્પ્લાન્ટ કરાયા હતા.ગીતાબેનના પતિ રત્નકલાકાર છે,સંતાનમાં બે પુત્રમાં વિશાલ ડેટાએન્ટ્રી કામ કરે અને સૌરવ ડાયમંડ ક્ષેત્રમાં કામ કરે છે.

