કામરેજ : સુરત જિલ્લાની કામરેજમાં ગત 5 વર્ષના કાર્યકાળ દરમયાન જેમના શાસનમાં નવી તાલુકા પંચાયત કચેરીનુ નિર્માણ થયું હતું તે આખી બોડી ઉપરાંત પૂર્વ પ્રમુખો,ઉપપ્રમુખો અને અન્ય પૂર્વ હોદ્દેદારોના નામ બોર્ડ પરથી કાઢી નાખવામાં આવતા કામરેજ તાલુકા ભાજપમાં વિવાદ સર્જાયો છે.
સ્થાનિક સ્વરાજની કચેરીઓ જેવી કે, તાલુકા પંચાયત, નગરપાલીકા કે જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખોની યાદી દર્શાવતું બોર્ડ મુકવામાં આવતું હોય છે.ગત ટર્મ દરમ્યાન કામરેજ તાલુકા પંચાયતના નવા ભવનનું નિર્માણ થયું હતું ત્યારે પૂર્વ તમામ પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામોની યાદી લખવામાં આવી હતી.પરંતુ નવા શાસકો આવતા જ આ યાદીઓ કાઢી નાખવામાં આવી છે અને માત્ર હાલના પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામ લખવામાં આવ્યા છે.વર્તમાન શાસકોના આવા વર્તનથી કામરેજ તાલુકા ભાજપમાં ભારે વિવાદ સર્જાયો છે.
જેમના કાર્યકાળ દરમ્યાન કચેરીનું નિર્માણ થયુ તેમની જ આખી ટીમના આઠ હોદેદારોના લખાયેલા નામોને બોર્ડ પરથી હટાવી દેવામાં આવ્યા છે.આ નામ હટાવવામાં આવતા કામરેજ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે.હજી સત્તા પર બેસતા વાર નથી લાગી તે પહેલાં જ વિવાદ શરૂ કરતાં જિલ્લા ભાજપ માટે પણ નવી આફત શરૂ થઈ છે.નામ કાઢવાથી શરૂ થયેલો વિવાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ અસર કરે તો નવાઈ નહીં.બીજી તરફ કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટી પણ ખૂબ સક્રિય હોય ભાજપ માટે આ વિખવાદ આગામી સમયમાં મોટી મુશ્કેલી ઉભી કરી શકે એમ છે.


