– ભાજપના સભ્યોને 22 લાખ અને આપના સભ્યોને માત્ર 2 લાખ રૂપિયા ફાળવાયાના મુદ્દે વિરોધ પ્રદર્શન
કામરેજ : કામરેજ તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ઉપવાસ આંદોલન ત્રીજા દિવસે પણ શરૂ છે.કામરેજ તાલુકા પંચાયતની બેઠકમાં ચાર કરોડ 60 લાખ રૂપિયાના કામો કરવા માટેનો નિર્ણય કરાયો છે.જેમાં દરેક તાલુકા પંચાયતના સભ્ય દીઠ 22 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ કામરેજ તાલુકાની કુલ બેઠકોમાં બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટાયા છે.કામરેજ- 2 તાલુકા અને આંબોલી તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના સભ્ય ચૂંટાયા છે.જેની સાથે અન્યાય થતો હોવાની રાવ સાથે આપના સભ્યો ઉપવાસ પર યથાવત છે.
કામરેજ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે.તમામ તાલુકા પંચાયતના ભાજપના સભ્યોને એક સરખી ગ્રાન્ટ આપવામાં આવી છે,જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.જેને પરિણામે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સભ્ય અને સંગઠનના કેટલાક હોદ્દેદારો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.કામરેજ તાલુકા પંચાયત સભ્ય જેડી કથીરિયા,સુરત જિલ્લા પ્રમુખ બટુક વડોદરિયા સહિતના કેટલાક હોદ્દેદારો છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ ઉપર છે.
આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આપ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે, જો સંબંધિત અધિકારી ઝડપથી તેનો ઉકેલ નહીં લાવે તો આવતીકાલથી જળ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉપવાસ આંદોલન દરમિયાન જો આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય કે અન્ય પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ની તબિયત બગડે તો તેને માટે વહીવટીતંત્રને કામરેજ તાલુકા પંચાયતના સત્તાધીશો હશે.
સુરત જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બટુક વડોદરિયા જણાવ્યું કે, અમે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ ઉપર છીએ.છતાં,તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી.જો ભાજપના તાલુકા પંચાયતના સભ્યોને 22 લાખ રૂપિયા આપવામાં આવતા હોય તો અમને માત્ર બે લાખ માટે આપવામાં આવી રહ્યા છે.તેમજ આંબોલી તાલુકા પંચાયતના સભ્યને માત્ર 12 લાખ રૂપિયા કેમ આપવામાં આવ્યા છે,તે અંગે તેઓ કોઇ સ્પષ્ટતા કરતા નથી.આજે અમારા હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને અમને ન્યાય મળે તેની રજૂઆત કરવામાં આવી છે.જો કોઈ પગલાં નહીં લેવાય તો આવતીકાલથી અમે જળત્યાગ કરવાના છીએ અને અમને કંઈ પણ થાય તો તેની જવાબદારી વહીવટીતંત્રની અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લોકોની રહેશે.


