સુરત : વિવિંગ ઉદ્યોગમાં અત્યારે કપરો કાળ છે.પરંતુ આગળ જતાં સુધારો આવશે,એવી આશામાં કારખાનેદારોએ એકમો કારીગરોને સાચવવા માટે ચાલુ રાખ્યા છે.વતન ગયેલા કારીગરો પરત આવવા માંગે છે.પરંતુ કારખાનેદારો તેમને રોકી રહ્યાં છે.ગ્રેના ઉત્પાદનમાં કાપ મૂકવા માટે રાત પાળીમાં એકમો બંધ કરી દેવાયાં છે.એક પાળીમાં ઉત્પાદન હોવાછતાં કારખાનેદારો પાસે ગ્રેનો તાકાઓનો સ્ટોક થઈ રહ્યો છે. સંખ્યા બંધ કારખાનેદારો પાસે નિકાલ થયા વગરનો સ્ટોક પડયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા થયા પછી યાર્નના ભાવમાં પણ ઘટાડો આવશે એવી આશા કારખાનેદારોની છે.પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી માંગ નીકળશે એવો કોઈ અણસાર નથી.કેમકે કપડું અત્યારે પ્રાયોરિટીમાં નથી.લોકોની હાલની પ્રાયોરિટી એજ્યુકેશન ફીની ચુકવણીનું છે,એમ મુઝફ્ફર નાતાલવાલાએ વાતચીતમાં કહ્યું હતું.
કોરોના કાળને કારણે બે વર્ષ સ્કૂલ-કોલેજની ફી ચૂકવવાની ચિંતા વાલીઓના માથે નહોતી.પરંતુ અત્યારે શિક્ષણ પ્રાયોરિટી હોવાથી સઘળો પૈસો આ સેક્ટર તરફ ખેંચાઇ જશે.બદલાયેલો ફેશન ટ્રેન્ડ અને ફુગાવો પણ ટેક્સટાઇલ સેક્ટરને આડકતરી રીતે અસર કરી રહ્યો છે.