અમદાવાદ : નારોલમાં રહેતા અને ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડનો વેપાર કરતા યુવકને પોતાના નામે કારની લોન લઇને મિત્રને કાર અપાવવાનું ભારે પડયું હતું.જેમાં મિત્રને કાર ખરીદવા માટે પોતાના નામે લોન લીધી હતી.પરંતુ, મિત્રએ કારની પુરી લોન ચુકવતા બેંકની નોટીસ મળતા લોન નહી ચુકવાતી હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં મિત્રને જાણ કરતા તેણે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નાણાં ભરવાની ના પાડતા વેપારી યુવકે કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રને લોન મળી શકે તેમ ન હોવાથી બેંક ઓફ બરોડામાંથી ૧૦ લાખ રૂપિયાની લોન લીધી હતીઃ કાગડાપીઠ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો
નારોલ કાવેરી વિસા સોસાયટીમાં રહેતા બળદેવ પારીક કાગડાપીઠ ઘંટાકર્ણ ક્લોથ માર્કેટમાં કાપડનો વ્યવસાય કરે છે.ખોખરામાં આવેલી હરજીવન મુક્ત સોસાયટીમાં રહેતા વિકાસ ગોદરા સાથે તેની ગાઢ મિત્રતા હતી.ગત ઓગસ્ટ ૨૦૨૦માં વિકાસને કાર લેવાની હતી.પણ તેેને લોન મળી શકે તેમ ન હોવાને કારણે વિકાસે બળદેવને તેના નામે લોન કરાવી આપવા માટે ક્હ્યું હતું.જેની સામ તેણે પ્રોસેસીંગ ફી અને કારના હપતા નિયમિત ભરવાની ખાતરી આપી હતી.જેથી વિશ્વાસ કરીને બળદેવે અસારવાની બેંક ઓફ બરોડાની શાખામાંથી રૂપિયા ૧૦ લાખની કાર લોન કરાવી આપી હતી.જો કે છેલ્લાં ઘણા સમયથી બળદેવને બેંકની નોટીસ મળતા તેણે વિકાસને મળીને લોનના હપતા ભરી દેવા માટે કહ્યું હતું.જો કે વિકાસે કહ્યું હતું કે તેની આર્થિક હાલત સારી નથી અને તે નાણાં ભરવા માટે સક્ષમ નથી.તેણે ૧૦ લાખની લોનની સામે માત્ર ૨.૨૨ લાખ રૂપિયા જ બેંકમાં જમા કરાવ્યા હતા.જ્યારે બાકીની ૯.૩૪ લાખ રૂપિયા ની લોન ભરી નહોતી.જેથી મિત્રએ નાણાં ન ભરતા છેવટે બળદેવ પારીકે કાગડાપીઠ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરર્ની કાર્યવાહી હાથ ધરી છે.