ઈ. 2022માં આજે શરણાઈના સૂર વાગવાનો છેલ્લો દિવસ : આસુરી-મેલી શક્તિના વિનાશ માટે કાલે કાલાષ્ટમી-ભૈરવાષ્ટમીની ઉજવણી : તા. 22 ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ,પછી રાત ટૂંકી થશે,સૂર્યપૂજાનું મહત્વ
લગ્ન સહિત પ્રસંગો માટે આવતીકાલે વર્ષ 2022નો અંતિમ દિવસ છે અને તા. 16 શુક્રવારથી ધનુ સંક્રાંતિનો પ્રારંભ થશે.તેને કમુહુર્તા પણ કહે છે જે તા. 14 જાન્યુઆરી સુધી એટલે કે સૂર્યનો ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશ થતા સુધી હોય છે અને આ એક માસ આનંદ મંગલના કાર્યો,કાર્યક્રમોને બ્રેક લાગતી હોય છે પરંતુ,તે સાથે ધર્મ કાર્યો ધમધમતા હોય છે.
મનુષ્ય સહિત જીવસૃષ્ટિ માટે આ સમય મહત્વનો સંક્રાંતિ કાળ છે.તા. 22 ડિસેમ્બરે સમગ્ર વિશ્વના જીવનદાતા સૂર્ય દક્ષિણ તરફ ઢળવાથી અટકી જઈને ઉત્તર અયન તરફ ગતિ કરશે,આમ,ઉત્તરાયણ તા. 14 જાન્યુઆરીએ ઉજવાશે પણ તેનો આરંભ તા. 22ને ગુરૂવારે થશે.આ દિવસે સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત્રિ હશે.ત્યારબાદ દિવસ ક્રમશઃ સેકન્ડોમાં લાંબો થતો જશે અને રાત ટૂંકી થશે.આ મહિનામાં સૂર્યપૂજાનું પરંપરાગત ધામક મહત્વ તો છે પરંતુ, આરોગ્યપ્રાપ્તી,સ્વાસ્થ્ય માટે પણ આ સમય સૂર્યસ્નાન અને વ્યાયામ માટે ઉત્તમ મનાય છે.તા. 16 ડિસેમ્બરે કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી ઉજવાશે અને ભગવાન શિવના કાલભૈરવ રૂપના દર્શન કરી પૂજા,મંત્રજાપ થશે.મન ઉપર આસુરી-મેલી શક્તિનો પ્રભાવ નષ્ટ કરવા કાલભૈરવની પૂજાનું અનેરૂં મહત્વ રહ્યું છે.બીજી તરફ, આ વખતે ગુજરાતના મંત્રીમંડળે કમુહુર્તા પહેલા શપથ લીધા છે,ધારાસભ્યો ધનુર્માસમાં શપથ લેશે.અને એક માસ કામગીરીથી વાકેફ થવા મળશે.જાન્યુઆરીથી કાર્યક્રમો અને લોકાર્પણોનો સિલસ્લિો પણ શરૂ થશે.