ગુજરાતમાં લોકડાઉન નિયમોમાં છુટછાટ આપવાની સાથોસાથ એસ.ટી. બસ સેવા ચાલુ કરવાની પણ ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કર્યા બાદ આજે એસ.ટી. બસ સેવા શરૂ થઇ શકી નથી ત્યારે રાજયના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલથી એસ.ટી. બસ દોડતી થઇ જશે અને તેના માટે નિયમો નકકી કરવામાં આવ્યા છે.પ્રથમ તબકકે માત્ર ઝોન વાઇઝ એસ.ટી. બસનું સંચાલન થશે આ માટે ગુજરાતમાં ચાર ઝોન બનાવવામાં આવ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મઘ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોન ફાળવામાં આવ્યા છે. આવતીકાલથી શરૂ થનારી એસ.ટી. સેવામાં પ્રથમ તબકકે એસ.ટી. બસ માત્ર જે તે ઝોનમાં જ દોડશે. અર્થાત્ સૌરાષ્ટ્ર ઝોનમાં એસ.ટી. બસ રાજકોટ-ભાવનગર,જુનાગઢ,પોરબંદર,કચ્છ,જામનગર જેવા જિલ્લાઓમાં દોડશે.
સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ આ બસ સેવા ચાલુ રહેશે.બસોના સમયપત્રક એવી રીતે નિર્ધારીત કરવામાં આવ્યા છે કે કોઇપણ બસ સાંજે 6 વાગ્યા સુધીમાં જે તે શહેરમાં પહોંચી શકે અને ત્યારબાદ પ્રવાસીને પોતાના ઘરે કે અન્યત્ર પહોંચવા માટે એક કલાકનો સમય મળે.સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન કફર્યુ હોવાથી બસ આ સમયગાળામાં નહીં દોડે.
રૂટ શરૂ કરવા અંગે વિભાગીય નિયામકોને સોંપાઇ જવાબદારી
આપને જણાવી દઇએ કે,4827 રૂટ પર હાલ બસ સેવા શરૂ કરવામાં આવશે.ત્યારે આ તમામ રૂટ શરૂ કરવાને લઇને તાત્કાલિક અસરથી 24 ડિવિઝનના વિભાગીય નિયામકોને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે જાહેરાત
નોંધનીય છે કે,ગઇકાલે પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે,અમદાવાદના કોરોના વાયરસના સૌથી વધારે કેસ હોવાથી અમદાવાદમાં એસ.ટી બસને પ્રવેશવા કે બહાર જવા દેવામાં આવશે નહીં.
AMTS તથા BRTS બસ સેવા બંધ રહેશે
આપને જણાવી દઇએ કે,રાજ્યમાં વિવિધ વિસ્તારમાં AMTS અથવા BRTS સેવા હાલ શરૂ કરવામાં આવશે નહીં તેવી વાત ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં કરી હતી.
એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવાને લઇને પણ સરકારે આપી છૂટછાટ
લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે.જેમાં અન્ય જિલ્લામાં જવા માટે પાસને લઇના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પરવાનગી નહીં જોઈએ.નોન કન્ટેનમેન્ટ ઝોનમાંથી જવું હશે તો પાસની જરૂર નહીં રહે. ગુજરાતના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નહીં પડે હવે પાસ વગર એકમાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે.