ગુજરાતમાં પાલિકા – પંચાયતોની ચૂંટણીનું વર્ષ હોવાથી એને અનુરૂપ બજેટ આપવાનો અણસાર : ૨૨ દિ’નું સત્ર ૨૫ બેઠકોઃ સરકાર ભરતીમાં અનામત અંગેનો પરિપત્ર, આદિવાસી તરીકેના પ્રમાણપત્રો, પાક વીમો, બેરોજગારી વગેરે મુદ્દે સરકારને ભીડવવા વિપક્ષ સજ્જ
ગાંધીનગર તા. ૨૫ : ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આવતીકાલે તા. ૨૬મીથી પ્રારંભ થઇ રહ્યો છે. ગઇ તા. ૧૦ ફેબ્રુઆરીએ એક દિવસનું સત્ર મળ્યા બાદ સત્રની કાર્યવાહી સ્થગિત રહેલ તે આવતીકાલથી પુનઃ શરૂ થશે. કાલે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યનું નવા નાણાકીય વર્ષનું બજેટ રજુ કરશે. તાલુકા – જિલ્લા પંચાયતો અકિલા અને કોર્પોરેશનોની ચૂંટણીનું વર્ષ હોવાથી આકર્ષક બજેટ આવે અને ખાસ કરીને યુવાનો – ખેડૂતો માટે વિશેષ યોજના જાહેર થાય તેવું અનુમાન સમીક્ષકો કરી રહ્યા છે. એલ.આર.ડી. ભરતીમાં અનામત અંગેનો પરિપત્ર, આદિવાસીઓ દ્વારા પ્રમાણપત્ર અંગે ચાલતુ આંદોલન, ખેડૂતોનો પાક વીમો, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, મોંઘવારી વગેરે બાબતે કોંગ્રેસ આક્રમક મિજાજમાં છે. બંને પક્ષે સત્ર આરંભી પૂર્વે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. પોલીસ દ્વારા વિધાનસભા સંકુલ આસપાસ સજ્જડ સુરક્ષા ગોઠવવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયો મુજબ પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઇ પટેલ ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરશે. તેમજ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. તા. ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે, જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે. તા. ૨જી અને તા. ૩ માર્ચ ૨૦૨૦ના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ૪થી માર્ચ, ૨૦૨૦થી થશે, જે માટે કુલ ૪ દિવસ ફાળવવામાં આવેલ છે. સમગ્ર સત્ર દરમિયાન સત્ર દરમિયાન કામકાજના કુલ ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ૩ બેઠકો મળશે અને સમગ્ર સત્ર દરમિયાન ૩ બેઠકો દરમિયાન બિનસરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમિયાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ પ્રસ્તાવ હાથ ધરાશે.