નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021 : કાશી વિશ્વનાથ કોરિડોરનુ આજે પીએમ મોદીએ લોકાર્પણ કર્યુ હતુ.આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, હવે જ્યારે પણ ભાવિકો અહીંયા આવશે ત્યારે તેમને ભૂતકાળના ગૌરવનો અહેસાસ થશે અને તેઓ જોશે કે પ્રાચીનતા સાથે આધુનિકતા પણ જિવંત થઈ છે.આ કોરિડોર માત્ર એક ભવ્ય ઈમારત નથી પણ ભારતની સનાતન સંસ્કૃતિનુ પ્રતીક છે.આ ભારતની પ્રાચીનતા,આધ્યાત્મિકત આત્મા અને પરંપરાઓનુ પણ પ્રતિક છે.પહેલા આ મંદિર માત્ર 3000 સ્કેવર ફૂટમાં હતુ.હવે તેનુ પરિસર પાંચ લાખ સ્કેવરફૂટનુ થઈ ગયુ છે.મંદિર અને પરિસરમાં એક સાથે 50000 કરતા વધારે ભાવિકોને સમાવી શકાશે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કાશી તો અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે અને તે છે જેમના હાથમાં ડમરુ છે તેમની સરકાર …અહીં તો ગંગાજી પણ પોતાની ધારા બદલીને વહી રહ્યા છે ત્યારે કાશીને કોણ રોકી શકે છે…ભૂતકાળમાં અત્યાચારીઓએ કાશી પર નજર બગાડી હતી પણ અહીંયા ઔરંગઝેબ આવે છે તો શિવાજી પણ ઉભા થાય છે.કોઈ સાલાર મસૂદ આવે છે તો રાજા સુહેલદેવ જેવા વીર યોધ્ધા પણ તેમને આપણી તાકાતનો અહેસાસ કરાવે છે.
તેમણે કહ્યુ હતુ કે, અંગ્રેજોના સમયમાં વોરન હેસ્ટિંગ્સની કાશીના લોકોએ શું હાલત કરી હતી તે બધા જાણે જ છે.કાશી પર કેટલાક આક્રમણો થયા હતા.ઔરંગઝેબના અત્યાચારની આ નગરી સાક્ષી રહી છે.તેણે તલવારના જોરે સભ્યતા અને સંસ્કૃતિ બદલવાની કોશિશ કરી હતી પણ તે સફળ નહોતો થયો.આ દેશની માટી બીજા દેશો કરતા અલગ છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોરિડોરનુ લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા પ્રદાન કરશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે.આ પરિસર આપણી ક્ષમતા અને સામાર્થ્યનુ સાક્ષી છે.ભારતવાસીઓ ગમે તે અશક્ય બાબતને સાકાર કરી શકે છે તેનુ ઉદાહરણ આ કોરિડોર છે.કાશીએ જ્યારે પણ કરવટ બદલી છે ત્યારે ભારતનુ ભાગ્ય બદલાયુ છે.ગમે તેટલા મોટા પડકારને ભારતના લોકો ભેગા મળીને પરાસ્ત કરી શકે છે.

