વારાણસી, તા. 7 ડિસેમ્બર 2021 મંગળવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કૉરિડોરનુ ઉદ્ઘાટન કરશે.પીએમ મોદીના વારાણસી પ્રવાસને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.વિશ્વનાથ મંદિર તરફથી જનારા રસ્તાને નારંગી રંગથી રંગવામાં આવી રહી છે.આના કારણે એક મસ્જિદનો રંગ પણ નારંગી કરી દેવાયો છે.જેને લઈને મુસ્લિમ સમુદાયમાં નારાજગી છે.મુસ્લિમ સમુદાયે વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી પર તાનાશાહી કરવાનો આરોપ લગાવ્યો છે.
વારાણસી ડેવલપમેન્ટ ઓથોરિટી જ્યાં એકરુપતા લાવવાનો દાવો કરી રહ્યુ છે તો ત્યાં લોકોનો આરોપ છે કે તેમના પૂછ્યા વિના જ ઈમારતને રંગવામાં આવી રહી છે. બુલાનાલા વિસ્તારમાં રસ્તા કિનારે એક ઘણી જૂની મસ્જિદ છે જેને બુલાનાલા મસ્જિદ પણ કહેવામાં આવે છે.આનો રંગ સફેદ હતો. આરોપ છે કે ઓથોરિટીએ સફેદ રંગ પર આછો નારંગી રંગ રાતોરાત પેઈન્ટ કરી દીધો.જેનાથી મસ્જિદ સાથે જોડાયેલા લોકોમાં ઘણો રોષ છે અને તેઓ આને મનમાની અને તાનાશાહી વલણ ગણાવી રહ્યા છે.
પૂછ્યા વિના રાતોરાત રંગ બદલી દેવાયો
મસ્જિદની દેખરેખ કરનારી અંજુમન ઈન્તજામિયા મસાજિદ કમિટીના મોહમ્મદ એજાજ ઈસ્લાહીએ જણાવ્યુ કે તેમની મસ્જિદનો રંગ રાતોરાત બદલી દેવાયો.જો કંઈ કરવુ જ હતુ તો એક વાર વાત કરવી જોઈએ, તેમણે કહ્યુ કે આ મનમાની અને તાનાશાહી છે.પહેલા તેમની મસ્જિદ સફેદ હતી જે હવે કેસરિયો રંગની થઈ ગઈ છે. તેમણે કહ્યુ આની પર અમે વાંધો ઉઠાવ્યો છે અને ડીએમ ને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે પરંતુ મુલાકાત થઈ નથી.આ સિવાય કાશી વિશ્વનાથ મંદિર કાર્યાલયમાં પણ વાંધો વ્યક્ત કરાયો છે કે આ રંગ ખોટો છે.તેમણે જણાવ્યુ કે અમે પહેલો જેવો સફેદ રંગ કરાવીશુ અને આનો સમગ્ર ખર્ચ તેમની કમિટી જ કરશે.જે નુકસાન થશે તે જાતે જ ચૂકવવુ પડશે.તેમણે કહ્યુ કે આ કારસ્તાનીને લઈને તે લોકોમાં ઘણી નારાજગી છે પરંતુ માહોલ કંઈક એવો છે કે કહી શકાય તેમ નથી.તેમણે કહ્યુ કે પીએમ મોદી કોરિડોરનુ ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે અને આ એ સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકો તેમની સાથે છે પરંતુ આવુ છે નહીં.