જમ્મૂ,તા.૨૩
ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો પાછો ખેંચી લેવાયા બાદ સ્થાનિક પ્રજાની ચિંતાઓ તથા પરેશાનીઓ પ્રત્યે ધ્યાન દોરવા ટૂંક સમયમાં જ ‘ડૉમિસાઇલ લૉ’નો કાયદો લાવવામાં આવશે અને ત્યાર પછી તાબડતોબ જમીનને લગતો ધારો અમલમાં મુકાશે, એવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કરી હતી.
તેમણે એવું પણ જાહેર કર્યું હતું કે આ નવા કાયદાઓ અમલમાં મુકાયા બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં યુવા-વર્ગને વચન કરતાં વધુ રોજગારો પૂરા પાડવામાં આવશે. જિતેન્દ્ર સિંહ વડા પ્રધાનના કાર્યાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન છે.
જમ્મુ અને કાશ્મીરમાં વિશિષ્ટ દરજ્જો પાછો ખેંચાયો (કલમ ૩૭૦ પાછી ખેંચાઈ) ત્યારથી ઘણા પક્ષો જમીન-માલિકોના તથા બેરોજગાર યુવાનોનાં હિતોના રક્ષણ માટે ડૉમિસાઇલ લૉ લાવવાની માગણી કરી રહ્યા છે.
રોજગારની વાત કરતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘જેમ અગાઉની સરકાર સત્તા પર હતી ત્યારે યુવા વર્ગના ભાવિને બગાડી નાખવામાં આવ્યું હતું એવું હવે નહીં જોવા મળે. અગાઉ પાછલા બારણેથી હોદ્દાઓ પર નિયુક્તિઓ થતી હતી અને ભ્રષ્ટ પ્રવૃત્તિઓ ચાલતી હતી. જે યુવાનોને ત્યારે રોજગાર અપાયા હતા એ હવે ૩૫ જેટલા વર્ષના થઈ ગયા છે, પણ હજીયે તેમને નોકરીમાં રેગ્યુલર નથી કરવામાં આવ્યા.’
કાશ્મીરમાં ટૂંક સમયમાં ‘ડોમિસાઇલ લૉ’નો અમલ કરાશે : જિતેન્દ્ર સિંહ
Leave a Comment