જમ્મુકાશ્મીર,તા.12 ઓક્ટોબર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામેના એક ઓપરેશનમાં સેનાના પાંચ જવાનો ગઈકાલે શહીદ થયા બાદ સેનાએ બદલો લેવા માટે આતંકવાદીઓ સામે ભીષણ લડાઈ શરૂ કરી છે.ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ એન્કાઉન્ટમાં 6 આતંકીઓને યમસદન પહોંચાડી દીધા છે.છેલ્લા 30 કલાકમાં સેના અને આતંકીઓ વચ્ચે 6 એન્કાઉન્ટ થઈ ચુકયા છે.આ પૈકી અંનતનાગમાં એક આતંકીને,બાંદીપોરામાં એક આંતકીને ઢાળી દેવાયો છે.બાંદીપોરમાં માર્યો ગયેલા આતંકી ઈમ્તિયાઝ ડાર સામાન્ય નાગરિકની હત્યામાં સામેલ હતો.
શોપિયામાં ગઈકાલે રાત્રે હાથ ધરાયેલા ઓપરેશનમાં સેનાએ ત્રણ આતંકીઓને મારી નાંખ્યા છે.જેમને મારી નાંખવામાં આવ્યા છે તેમની પાસેથી બે પિસ્ટલ અને એક એકે 47 પણ પકડાઈ છે.શોપિયાં જિલ્લામાં આજે સવારે થયેલી અથડામણમાં એક આતંકીને ઢાળી દેવાયો છે.હજી પણ અહીંયા સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુના પૂંછ જિલ્લામાં સેના અ્ને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં ગઈકાલે એક જેસીઓ તેમજ ચાર જવાન શહીદ થયા હતા.જેમાં નાયબ સૂબેદાર જસવિન્દર સિંહ,નાયક મનદીપ સિંહ,સિપાહી ગજ્જન સિંહ,સરજ સિંહ અને વૈશાખ એચ સામેલ હતા.આ પૈકીના ત્રણ પંજાબના રહેવાસી છે.