ચેન્નાઇ, તા. 20 જુલાઇ 2020, સોમવાર
એક સમયે બે રાજ્યની સરકાર માટે મુશ્કેલી ઉભી કરનાર અને દક્ષિણમાં આતંકનો પર્યાય બની ચુકેલા વિરપ્પની પુત્રી વિદ્યાએ રાજકરણમાં એન્ટ્રી કરી છે. ભાજપાએ વિદ્યાને તામિલનાડુ યુવા પાંખની અધ્યક્ષ બનાવી છે.
વિદ્યા વિરપ્પન લો ગ્રેજ્યુએટ છે અને અત્યારે ક્રિષ્નાગિરીમાં સ્કૂલ ચલાવે છે.29 વર્ષની વિદ્યા વિરપ્પન કહે છે.હું કોઇ એક સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતી હું તો માનવધર્મમાં માનું છું અને માનવસેવાની દિશામાં આગળ વધવા માગું છું.તામિલનાડુમાં પગ જમાવવા માગતી ભારતીય જનતા પાર્ટીનો વિદ્યા વિરપ્પનની જવાબદારીભર્યા હોદ્દો પર નિમણૂંક કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો ચકરાવો શરૂ કરી લીધો છે.વિદ્યાએ કહ્યું હતું કે નાનપણમાં એક જ વાર પિતાને જોયા હતા.એ વખતે મારી ઉંમર છ-સાત વર્ષની હશે. સ્કૂલમાં વેકેશન પડતા મારા દાદાને ગામ ગોપીનાથમ ગઇ હતી.
વિદ્યાની માતા મથુલક્ષ્મી ટી. વી. કે (તામિઝગ વઝ ડુવુરીમાઇ કચી) પણ સાથે જોડાયેલી છે વણીયાર સમાજની આ પાર્ટી અત્યારે એનડીએની સમર્થક છે. વિદ્યા ફેબ્રુઆરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાઇ હતી.એ પહેલાં એક સ્થાનિક નેતાએ કેન્દ્રના પ્રધાન પોન રાધાકૃષ્ણન સાથે ઓળખાણ કરાવી હતી. સમાજસેવા કરવાનો મારો ઇરાદો જાણી રાધાકૃષ્ણને મને ભાજપમાં જોડાઇ જવાની સલાહ આપી હતી. આમ હું ભાજપમાં જોડાઇ હતી.
ઉલ્લેખનીય છે કે દક્ષિણના જંગલોમાં સંખ્યાબંધ હાથીઓને હણનારા અને ત્રણ રાજ્યોની પોલીસને દાયકાઓ સુધી હંફાવનારા કુખ્યાત ચંદનચોર વિરપ્પનના નામ માત્રથી લોકો ફફડી ઉઠતા હતા. વિરપ્પન 150 લોકોના મોતના જવાબદાર હતો.હાથીદાંત મેળવવા માટે વિરપ્પને 100થી વધુ હાથીઓનો શિકાર કર્યો હતો. હાથીદાતની દાણચોરીમાંથી તે કરોડો રૂપિયા કમાયો હતો.આ સિવાય ચંદનના ઝાડ કાપી ચંદનના લાકડાની તસ્કરીમાં પણ વિરપ્પનની ટોળી સંડોવાયેલી હતી. એટેલ જ વિરપ્પનને ચંદનચોરનું ‘વિશેષણ’ લગાડવામાં આવતું હતું.
વિરપ્પન વર્ષ 2000માં દેશના અખબરોમાં છવાયો હતો જ્યારે તેને કન્નડ ફિલ્મના અભિનેતા રાજકુમારનું અપહરણ કર્યું હતું અને થોડાક અઠવાડિયા બાદ તેને છોડી મુક્યો હતો.તેના ચાર વર્ષ બાદ 2004માં તામિલનાડુ પોલીસ સ્પેશિયલ ફોર્સે વિજય કુમારના નેતૃત્વમાં ઠાર મરાયો હતો.


