સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં સાત વર્ષ અગાઉ જગ્ગા માલીયાની હત્યા બાદ પોતાનું વર્ચસ્વ જમાવી ગુનાખોરીની દુનિયામાં અલગ ઓળખ ઉભી કરનાર અને વર્ષ 2016 માં સાત દિવસના જામીન પર છૂટી ફરાર થઈ વતન બિહારથી પોતાની ગેંગ ઓપરેટ કરતા કુખ્યાત પ્રવિણ રાઉતને પકડવા સુરત પોલીસે શરૂ કરેલું OPERATION GHOST અંતે સફળ રહ્યું હતું.ત્રણ દિવસ અગાઉ તે તાડી પીવા ઘરેથી નીકળી ગામના પાદરે પહોંચ્યો ત્યારે 8 દિવસથી ધામા નાંખીને તેની વોચ કરતી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહાર એસટીએફની મદદથી ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં સાત વર્ષ અગાઉ જગ્ગા માલીયાની હત્યા બાદ પોતાનું વર્ચસ્વ જમાવી ગુનાખોરીની દુનિયામાં અલગ ઓળખ ઉભી કરનાર અને વર્ષ 2016 માં સાત દિવસના જામીન પર છૂટી ફરાર થઈ વતન બિહારથી પોતાની ગેંગ ઓપરેટ કરતો અને હત્યા,હત્યાનો પ્રયાસ,ધાડ,લૂંટ,ખંડણીના ગુનામાં સામેલ પ્રવિણ રાઉત સુરત પોલીસને અગાઉ ત્રણ વખત થાપ આપવામાં સફળ રહ્યો હોય સુરત પોલીસે તેને ઝડપી પાડવા OPERATION GHOST શરૂ કર્યું હતું.તે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સર્વેલન્સની સાથે બાતમીદારોની પણ મદદ મેળવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પરવીન રાઉત બિહારમાં તેના વતન ગોરમા(ગોરવન)ગામમાં રહે છે.આથી સુરત ક્રાઈમ બ્રાન્ચના બે પીએસઆઈ અને આઠ પોલીસ જવાનોની ટીમ આઠ દિવસ અગાઉ ત્યાં પહોંચી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહાર એસટીએફની મદદ મેળવી સૌપ્રથમ તેના ઘરની માહિતી મેળવી હતી.બાદમાં તેના વર્ણનની ખરાઈ કરી ત્રણ દિવસ અગાઉ તે તાડી પીવા ઘરેથી નીકળી ગામના પાદરે પહોંચ્યો ત્યારે તેને બિહાર એસટીએફની મદદથી ઝડપી પાડી ત્યાંથી સુરક્ષીત સ્થળે લઈ ગયા બાદ સુરત લાવી હતી.આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત શહેર,સુરત જીલ્લા,તાપી જીલ્લા ઉપરાંત રાજયના અન્ય શહેરોમાં હત્યા,લૂંટ,ધાડ,અપહરણ,ખંડણી અને હથિયાર સહિતના 17 ગુનામાં અગાઉ ઝડપાયેલો અને 4 ગુનામાં વોન્ટેડ પ્રવિણ માટે ગામના લોકોમાં ઘણી સહાનુભૂતિ હતી છતાં પોલીસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું હતું.પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે પ્રવિણ રાઉતને પકડનાર ટીમને શહેર પોલીસના ઇનામ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પણ વિશેષ ઇનામ માટે ભલામણ કરાશે.

