પોલીસ જયદીપ પંચાલના હોશમાં આવવાની રાહ જોઈ રહી છે.એનું માનવું છે કે ત્યાર બાદ જ રહસ્ય ખૂલશે શનિવારે સાંજે મિની કચ્છ ગણાતા મુલુંડમાં ૨૨ વર્ષના ગુજરાતી યુવાને તેની માતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બન્યા બાદ આ ઘટનાની પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ એવી માહિતી આવી હતી કે પ્રૉપર્ટીના વિવાદમાં પુત્રએ ડિપ્રેસ થઈને માતાની હત્યા કરી હતી.જોકે પુત્ર હજી માત્ર ૨૨ વર્ષનો છે અને ભણેલોગણેલો છે.ઉપરાંત તે સારા પરિવારમાંથી આવતો હોવાથી માત્ર પ્રૉપર્ટીના વિવાદમાં આ પગલું ભરાયું હોય એવું પોલીસને ક્યાંય લાગતંં નથી.એટલે પોલીસ હવે યુવાન પુત્રના હોશમાં આવવાની રાહ જોઈ રહી છે.
મુલુંડમાં ગુજરાતી જૈન વિસ્તાર ગણાતા પાંચ રસ્તા નજીક આવેલા વર્ધમાનનગર કૉમ્પ્લેક્સની‘સી’વિંગમાં રહેતાં છાયા મહેશ પંચાલની હત્યા તેમના જ પુત્ર જયદીપે ચાકુના આશરે ૧૧ ઘા કરીને કરી હતી.આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મહેશભાઈએ છાયાબહેન અને જયદીપને શનિવારે સાંજે ફોન કર્યો હતો અને બંનેમાંથી કોઈએ ફોન ઉપાડ્યો નહોતો.એ પછી તેમણે પાડોશીને ફોન કરીને પોતાના ફ્લૅટમાં જવા કહ્યું હતું.ત્યારે ઘર લોહીલુહાણ હાલતમાં મળ્યું હતું.
અંતે સોસાસટીના એક સભ્યે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.એ દરમ્યાન મહેશભાઈ ભાંડુપની ઑફિસથી નીકળીને ઘરે આવતા હતા ત્યારે રેલવે પોલીસે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ટ્રેનની નીચે પડતું મૂકનાર જયદીપને જરા પણ વિલંબ કર્યા વગર હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો અને આ વાતની મહેશભાઈને જાણ કરી હતી.એ પછી જયદીપને ઇલાજ માટે અગ્રવાલ હૉસ્પિટલથી રાજમુખી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.જોકે તેને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી પાછળથી તેને ફોર્ટીસ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.ગઈ કાલે છાયાબહેનનું પોસ્ટમૉર્ટમ થયા પછી સાંજના તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.અહીં આવેલા લોકો પણ પ્રૉપર્ટીના વિવાદમાં થયેલી આ ઘટના નથી લાગતી એવી વાતો કરી રહ્યા હતા.


