– L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષ હવે ‘એ.એમ.નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ’ તરીકે ઓળખાશે
સુરત: હજીરા સ્થિત L&T કંપનીના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષનું નવું નામાભિધાન કરાયું હતું.આ કોમ્પ્લેક્ષ હવેથી ‘એ.એમ.નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ-૨૦૨૧’ના નામથી ઓળખાશે.મંત્રી અને મહાનુભાવોએ SBU બ્લોક ખાતે આ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કરી કંપનીની કામગીરીની વિગતો મેળવી હતી.
‘આત્મનિર્ભર ભારત’ તેમજ ‘મેક ઈન ઇન્ડિયા’માં અગ્રેસર એવી L&T કંપનીએ ભારતને અન્ય દેશોની સરખામણીમાં અનેક સેક્ટરમાં ટોચનું સ્થાન અપાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે.ન્યુક્લીયર,ડિફેન્સ,થર્મલ પ્લાન્ટ,ઓઈલ એન્ડ ગેસ,રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ, કે-૯ વજ્ર ટેંક,આર્ટીલરી ગન,ઈથેનોલ રિએક્ટર્સ જેવી અનેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
આ અવસરે L&T ના પ્રમુખ એ.એમ. નાયકે ગર્વની લાગણી વ્યક્ત કરતા સમગ્ર વિશ્વમાં વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં L&T ના ૬૫ ટકા પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે એમ જણાવી ભવિષ્યમાં પણ કંપની પ્રબળ મહેનત અને જુસ્સાથી કામ કરી રાષ્ટ્રવિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એમ ઉમેર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલ,કંપનીના સી.ઇ.ઓ. એસ.એન.સુબ્રમણ્યમ,કોર્પોરેટ લીડર વાય.એસ.ત્રિવેદી,સ્થાનિક અગ્રણીઓ તેમજ L&Tના અધિકારીઓ હાજર રહ્યા હતા.


