– ૨૦થી વધુ જગ્યાઓએ કરવામાં આવેલી રેઇડમાં એકે-૪૭, હૅન્ડગન્સ અને એક મશીન ગન જપ્ત કરવામાં આવી છે.
કેલિફોર્નિયા, તા. 19 એપ્રિલ 2023, બુધવાર : કૅલિફૉર્નિયામાં પોલીસે સ્ટૉકટન,સૅક્રેમેન્ટોમાં ગુરુદ્વારાઓમાં ગોળીબારની અનેક ઘટનાના સંબંધમાં ૧૭ લોકોની ધરપકડ કરી છે. ૨૦થી વધુ જગ્યાઓએ કરવામાં આવેલી રેઇડમાં એકે-૪૭,હૅન્ડગન્સ અને એક મશીન ગન જપ્ત કરવામાં આવી છે.કૅલિફૉર્નિયાના ઍટર્ની જનરલ રૉબ બોન્ટા,યુબા સિટીના પોલીસ વડા બ્રિઅન બેકર અને સટ્ટર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ ઍટર્ની જેનિફર ડુપ્રે દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર ઉત્તર કૅલિફૉર્નિયામાં રવિવારે ૨૦ જગ્યાઓએ સર્ચ વૉરન્ટ્સનો અમલ કરી રહેલા અધિકારીઓએ મોટા પાયે પાર પાડેલા ઑપરેશનમાં ૧૭ જણની ધરપકડ કરી હતી,જેમાંથી મોટા ભાગના લોકલ સિખ સમુદાયના છે.
પ્રેસ-કૉન્ફરન્સમાં ડુપ્રેએ કહ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી બે જણ માફિયા મેમ્બર્સ છે,જેઓ ભારતમાં અનેક હત્યાઓ માટે વૉન્ટેડ છે.કૅલિફૉર્નિયાના ઍટર્ની જનરલે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા સભ્યો વિરોધી ક્રિમિનલ સિન્ડિકેટ્સનો ભાગ છે. જેઓ સટ્ટર,સૅક્રેમેન્ટો,સૅન જૉક્યુઇન,સૉલેનો,યોલો અને મર્સેડ કાઉન્ટીઝમાં હત્યાના પાંચ પ્રયાસ સહિત ગોળીબાર અને અનેક હિંસક અપરાધો માટે જવાબદાર છે.આ ગ્રુપ્સના સભ્યો ૨૦૨૨ની ૨૭મી ઑગસ્ટે સ્ટૉકટન ગુરુદ્વારામાં અને ૨૩મી માર્ચ, ૨૦૨૩ના રોજ સૅક્રેમેન્ટો ગુરુદ્વારામાં થયેલા ગોળીબારમાં સામેલ હતા.