મુંબઈ : બોલિવુડ સિંગર કેકેનાં કોલકત્તામાં એક કોન્સર્ટ બાદ હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરનારા તબીબે જણાવ્યું છે કે કેકેનાં હાર્ટમાં અનેક બ્લોકેજ હતા.જોકે,કોન્સર્ટમાં તેને તત્કાળ સીપીઆર કરવામાં આવ્યું હોત તો તેની જિંદગી કદાચ બચી શકી હોત.દરમિયાન,કેકેના આજે બપોરે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.૫૩ વર્ષીય કેકેનાં ફેફસાં અને લિવરમાં અનેક ખરાબીઓ હોવાનું અગાઉ પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં બહાર આવ્યું હતું.હવે તેનું પોસ્ટમોર્ટમ કરનારા એક તબીબે જણાવ્યું હતું કે તેને ડાબી મેઈન આર્ટરીમાં બહુ મેજર બ્લોકેજ હતું.સાથે સાથે અન્ય આર્ટરીઝમાં પણ નાના મોટાં બ્લોકેજ હતાં.કોન્સર્ટની ઉત્તેજના વખતે લોહીનો પ્રવાહ અટકી જવાથી હૃદય બંધ પડી ગયું હોય તેવું બની શકે છે.અન્ય એક અભિપ્રાય અનુસાર જેમને લાંબા સમયતી હૃદયની તકલીફ હોય તેમને માયોકાર્ડિઅલ ઇન્ફાર્કશન થતું હોય છે.તેના કારણે બ્લડનું પંપીગ અટકી જાય છે.
કેકેનાં પત્ની જ્યોતિએ પણ જણાવ્યું હતું કે કોલકત્તા આવવા રવાના થતાં પહેલાં કેકેને ખભા અને હાથમાં દુખાવો થયો હતો.તેને ગેસનો પણ પ્રોબ્લેમ હતો અને અવારનવાર એન્ટાસિડનું સેવન કરતો હતો.કેકેના આજે વર્સોવા મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.પુત્ર નકુલે તેમને અગ્નિદાહ આપ્યો હતો.બોલિવુડ સંગીત વિશ્વમાંથી જાવેદ અખ્તર,હરિહરન,શંકર મહાદેવન,શ્રેયા ઘોષાલ,અલ્કા યાજ્ઞિાક, જાવેદ અલી,સુનિધિ ચૌહાણ,અભીજીત ભટ્ટાચાર્ય તથા અન્યોએ અંતિમ વિધિ પહેલાં કેકેને અંજલિ આપી હતી.સંગીતકાર પ્રિતમ કોવિડને કારણે અંતિમવિધિમાં જોડાઈ શક્યા ન હતા.આ અગાઉ,ગઈ રાતે કેકેના મૃતદેહને કોલકત્તાથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.