નાગપુર : દિલ્હીમાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિપક્ષી એકતાને ભારે મોટો આંચકો આપ્યો છે.તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સમયે તેઓ વિપક્ષી મહા ગઠબંધનમાં જોડાવા માગતા નથી, સાથે કહ્યું કે મારૂં ગઠબંધન ૧૩૦ કરોડ ભારતીયો સાથે છે.
નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે, હું મહા ગઠબંધનને સમજી જ શકતો નથી. તે કયા પ્રકારનું રાજકારણ રમવા માગે છે, તે સમજાતું નથી. હું કોઈને પરાજિત કરવા માગતો નથી.હું ઇચ્છું છું કે દેશ જ વિજયી બને.કેટલાક રાજ્યો અને સમગ્ર દેશની પણ આર્થિક અસ્થિરતાની ચિંતાની પૃષ્ટભૂમિમાં તેમણે કહ્યું હતું કે, તમામ અર્થશાસ્ત્રીયો લખે છે કે સબસીડી કલ્ચર દેશને તબાહ કરી દેશે, પરંતુ કોઇએ તેમ નથી કહ્યું કે, ભ્રષ્ટાચારની સંસ્કૃતિ દેશને તબાહ કરી દેશે. હું ચીજો નિ:શુલ્ક આપી શકું છું કારણ કે અમે ભ્રષ્ટાચાર ખત્મ કરી નાખ્યો છે.
કેજરીવાલની આ ઉક્તિઓ અંગે નિરીક્ષકો કહે છે કે, નાની એવી સફળતા પછી ઘણીવાર નાનુ-માનસ ધરાવનારાઓના મગજ ઉપર ચઢી જાય છે, તેના ઉદારહરણ આપણને મમતા બેનર્જી અને કેજરીવાલમાં મળી શકે છે.પંજાબ જેટલા નાના રાજ્યમાં સફળતા મેળવ્યા પછી જાણે કે મહાભારત જીતી લીધું હોય તેમ માની કેજરીવાલ દેશ પર છવાઈ જવા માગે છે. તેવી જ રીતે મમતા બંગાળ જીતી દેશ જીતવા માગે છે.પરંતુ બેમાંથી એકેની ઉ.પ્ર., મધ્ય ભારત, પશ્ચિમ ભારત કે દક્ષિણ ભારતમાં પહોંચ નથી. તે તેઓ ભૂલી જાય છે.તેમના સુંદર-સપના તૂટી જવાની પૂરી શક્યતા છે.