ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી ચાલી રહી છે ત્યારે એક નવો ફોટો સૌથી વધુ ચર્ચામાં આવી રહ્યો છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમણે અમદાવાદના એક રીક્ષા ચાલકના ઘરની મુલાકાત લીધી હતી પણ હવે તે રીક્ષાચલક ભાજપનો ખેસ પહેરીને વડાપ્રધાન મોદીની સભામાં પહોંચ્યા છે.
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે થલતેજમાં તેમણે મેટ્રોના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું હતું.આ બાદ તેમણે એક જનસભાને પણ સંબોધી હતી.ત્યારે વડાપ્રધાનની આ જનસભામાં રીક્ષાચાલક વિક્રમ દંતાણી પણ ભાજપનો ખેસ પહેરીને કાર્યકર્તાઓ સાથે બસમાં જતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો.આ ફોટો ઉપરાંત વધુ એવી પણ માહિતી સામે આવી રહી છે કે, વિક્રમ દંતાણી રીક્ષા યુનિયનના સાથી મિત્રો સાથે પીએમ મોદીની સભામાં પહોંચ્યા છે.આ દરમિયાન તેણે એવું પણ કહ્યું કે, તે વડાપ્રધાન મોદીનો આશિક છું અને મને તેમને માટે સભામાં આવ્યો છે.આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં નવો જ ટ્રેન્ડ સામે આવી રહ્યો છે.
નોંધનીય છે કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો.જેમાં આવેલા વિક્રમ દંતાણી નામના રીક્ષા ચાલકે કેજરીવાલને તેના ઘરે જમવા જવાનું આમંત્રણ આપ્યું હતું.જે બાદ કેજરીવાલ તેની જ રીક્ષામાં બેસીને વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે પહોંચ્યા હતા.
એબીપી અસ્મિતાના એક રિપોર્ટ અનુસાર વિક્રમ દંતાણીએ કહ્યું કે તે ભાજપ અને નરેન્દ્ર મોદીનો સમર્થક છે અને કાયમ ભાજપને જ મત આપતો આવે છે.તેણે કહ્યું,હું તો પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છું.નરેન્દ્ર મોદી સાહેબનો આશિક રહ્યો છું.મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપને જ મત આપતો આવ્યો છું.અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે.
કેજરીવાલને આમંત્રણ આપવાને લઈને તેણે કહ્યું હતું કે, મેં ખાલી કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું.મને ખબર ન હતી કે તેઓ જમવા આવશે.તેઓ આવ્યા અને અપમાન ન થાય એટલે જમાડીને મોકલી આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે એક સભામાં રિક્ષાચાલક યુવાન વિક્રમ દંતાણીએ તેમને ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું.ત્યારબાદ કેજરીવાલે આમંત્રણ સ્વીકારી લઈને કહ્યું હતું કે, તેઓ તેની રિક્ષામાં જ બેસીને તેના ઘરે જશે.ત્યારબાદ સાંજે કેજરીવાલ વિક્રમ દંતાણીની રિક્ષામાં જ બેસીને તેના ઘરે ગયા હતા.જ્યાં તેમણે ગોપાલ ઇટાલિયા,ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજગુરુ જેવા નેતાઓ સાથે ભોજન લીધું હતું.આ દરમિયાનની તસ્વીરો અને વિડીયોના આધારે આમ આદમી પાર્ટીએ કેજરીવાલની છબી ચમકાવવાના બહુ પ્રયાસો કર્યા હતા,પરંતુ હવે રિક્ષાચાલક ભાજપનો અને પીએમ મોદીનો આકંઠ સમર્થક હોવાનું બહાર આવ્યું છે.