બારડોલી : શહેર નજીકથી પસાર થતી કૅનાલમાં ડૂબી જવાથી 9 વર્ષના બાળકનું મૃત્યુ થયા બાદ સ્થાનિક રહીશોમાં કૅનાલની ફરતે જાળી લગાવવાની માગ વધુ ઉગ્ર બની રહી છે.નગરપાલિકા દ્વારા સંતોષજનક કામગીરી નહીં થતાં હવે લોકોએ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવાની શરૂઆત કરી છે.ગુરુવારના રોજ સાધના નગરની મહિલા સમિતિએ ધારાસભ્ય ઈશ્વર પરમારના જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચી જાળી લગાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત 30મી મેના રોજ બારડોલીના અલંકારથી સુરત રોડ તરફ જતી નહેર કિનારે રમી રહેલો નવ વર્ષનો બાળક ડૂબી જતાં તેનું મોત થયું હતું.આ ઘટનાને લઈને નહેરની નજીકમાં રહેતા રહીશોમાં પણ પોતાના બાળકોની ચિંતા થવા લાગી છે.રહીશો દ્વારા રેલિંગ અને સીસીટીવી કૅમેરા લગાવવાની માગ કરવામાં આવી રહી છે.નગરપાલિકા દ્વારા પણ સમગ્ર મુદ્દે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.પરંતુ હજી સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી.આથી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે નહેરને અડીને આવેલ સાધના નગર સોસાયટીની મહિલા સમિતિ દ્વારા આજરોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારને રજૂઆત કરવામાં આવી હતી.સોસાયટીની મહિલાઓ એકત્રિત થઈ ગુરુવારના રોજ તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચી અને લેખિતમાં રજૂઆત કરી હતી.
તેમણે રજૂઆત કરી હતી કે સાધના નગર સોસાયટી કૅનાલ રોડની સાથે જોડાયેલી છે.હાલમાં જ એક બાળકનું નહરમાં ડૂબી જવાથી મોત થયેલ છે.જે ઘટના બાદ નહેર પર રેલિંગ કે જાળી ફિટ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.તેમણે મહિલાઓ અને માતાની વ્યથાને માન આપી યોગ્ય નિર્ણય કરવા અરજ કરી હતી.


