અમદાવાદ : રવિવાર,5 જુન,2022 : કેન્દ્રનાં ૧૫માં નાણાંપંચે અમદાવાદમાં હવાના શુધ્ધિકરણ માટે બે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ ૨૬૩.૬૭ કરોડની રકમ ગ્રાન્ટ પેટે ફાળવી છે.આ પૈકી મ્યુનિ.એ હવાના શુધ્ધિકરણ માટે માત્ર ચાર કરોડની રકમની ફાળવણી કરી છે.સ્મશાનમાં સી.એન.જી.ભઠ્ઠી બનાવવા ઉપરાંત હવાના પ્રદૂષણને નિવારવા નિષ્ણાતોની મિમણૂંક કરવા તેમજ આ અંગે જરુરી અભ્યાસ હાથ ધરવા જેવા કામો ગ્રાન્ટમાં ફાળવવામાં આવેલી રકમમાંથી કરવામાં આવતા હોવાનો મ્યુનિ.તંત્રે દાવો કર્યો છે.કેન્દ્ર તરફથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ ઈજનેર વિભાગના ૮૯ કરોડના કામ હાથ ધરાશે.
હવાના પ્રદૂષણને ઘટાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્રનાં ૧૫માં નાણાંપંચ તરફથી વર્ષ-૨૦૨૦-૨૧ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ ૧૮૨ કરોડની રકમ ગ્રાન્ટ પેટે ફાળવવામાં આવી હતી.વર્ષ-૨૦૨૧- ૨૨ના વર્ષ માટે આ મથાળા હેઠળ વધુ ૮૧.૬૭ કરોડની ગ્રાન્ટ મ્યુનિ.ને ફાળવવામાં આવી હતી.બે વર્ષમાં મ્યુનિ.ને ૧૫માં નાણાંપંચ તરફથી મળેલી કુલ ગ્રાન્ટની રકમમાંથી ૬૧ કામ પુરા કરવામાં આવ્યા હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.બીજી તરફ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવાની કામગીરી કરવામાં રસ ધરાવતી એજન્સીઓ પાસે હજુ હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.નેશનલ કલીન એર પ્રોગ્રામ હેઠળ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા કયા-કયા પ્રકારની કામગીરી કરી શકાય એનો સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા મંગાવવામાં આવેલી દરખાસ્તો ઉપર ૨૩ જુન-૨૦૨૨ના દિવસે પ્રાઈસબીડ ખોલવામાં આવશે.આ પછી વર્ષ-૨૦૨૧-૨૨ના વર્ષમાં મળેલી ૮૧.૬૭ કરોડની ગ્રાન્ટની રકમમાંથી કયા-કયા કામ કરવા એ નકકી કરાશે એમ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.
કેન્દ્રનાં ૧૫માં નાણાંપંચ તરફથી શહેરની હવાના શુધ્ધિકરણ માટે ફાળવેલી ગ્રાન્ટનો કયા ઉપયોગ કરવો એ અંગે ગત સપ્તાહે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં એક દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી.સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરેલી દરખાસ્ત મુજબ,શહેરની હવામાં રહેલા પ્રદૂષિત કણો જેવા કે ૨.૫ પી.એમ.અને પી.એમ.-૧૦ના સૂક્ષ્મકણોનું પ્રદૂષણ ઓછુ કરી હવાને શુધ્ધ કરતા પ્રદૂષણમુકત ટાવર જેવા સાધનો ખરીદવા પાંચ કરોડની રકમની ફાળવણી કરાઈ છે.મ્યુનિ.માં એક વિભાગ હવાના શુધ્ધિકરણ માટે ચાર કરોડની ફાળવણી બતાવે છે.સ્ટેન્ડીંગ કમિટી પાંચ કરોડની રકમ ફાળવે છે.પરંતુ કેન્દ્ર તરફથી જે હેતુ માટે આટલી મોટી રકમની ફાળવણી કરાઈ છે એ પાછળના ઉદ્દેશ્ય માટે મામૂલી રકમની ફાળવણી કરી બાકીની રકમ અન્ય કામો પાછળ ખર્ચ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.


