– કેન્દ્રએ સહકાર ન આપવાનો આક્ષેપ કર્યાં પછી ટીમને મુલાકાતની મંજૂરી
નવી િદલ્હી,
કોરોના પછી કરાયેલા લોકડાઉનના ભંગમાં તપાસ માટે પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવેલી એક કેન્દ્રીય ટીમને મંગળવારે કોલકાતામાં જાત તપાસ માટે મંજૂરી મેળવવા કલાકો સુધી રાહ જોવી પડી હતી જેના કારણે કેન્દ્ર સરકાર રોષે ભરાઈ છે.આ ટીમોને કોલકાતા અને જલપાઇગુડીમાં રાહ જોતી કરવા બદલ ગૃહ મંત્રાલયે મમતા બેનરજી સરકારને ચેતવણી જારી કરી છે.
પશ્ચિમ બંગાળ સરકાર આ ઉપરાંત રાજ્યમાં ટીમ મોકલવા મામલે સુપ્રીમમાં જવાની શક્યતા ચકાસવા કાનૂની નિષ્ણાતોની સલાહ પણ લઇ રહી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષો શાસિત પશ્ચિમ બંગાળ,મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કેન્દ્ર દ્વારા આવી ટીમો મોકલવામાં આવતાં વિવાદ થયો છે અને મમતા બેનરજીએ તો સીધાં કેન્દ્ર સાથે શીંગડાં ભરાવ્યાં છે.
ગૃહમંત્રાલયે એક આકરા પત્રમાં લખ્યું છે કે ‘બંગાળમાં ટીમોને વિસ્તારોની મુલાકાત કરવા, આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરવા અને જમીની સ્તરની સમીક્ષા કરવાથી અટકાવવામાં આવી રહ્યું છે.’ મંત્રાલયે કહ્યું છે કે બંગાળ સિવાય તમામ રાજ્યોએ તેની ટીમો સાથે સહકાર સાધ્યો હતો.
ગૃહમંત્રાલયના સચિવ પુણ્ય સલિલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘અમન પશ્ચિમ બંગાળથી સમર્થન મળતું નથી. અમને અમારું કામ કરવા દેવાતું નથી. અમે પશ્ચિમ બંગાળને આકરા શબ્દોમાં જાણ કરી છે અને તેને કહ્યું છે કે જો અમને મદદ નહિ કરે તો આકરા પગલા લેવામાં આવશે.’ મંગળવારે મોડી સાંજે કોલકાતામાં ટીમને જવા દેવાની પરવાનગી અપાઇ હતી. કોલકાતાની ટીમની આગેવાની સંભાળી રહેલા ડિફેન્સના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને ખાતરી અપાઇ હતી કે અમે આજે સ્થળોની મુલાકાત લઇ શકીશું.અમને કહેવાયું હતું કે ત્યાં થોડાક પ્રશ્નો છે અને અમે બહાર નહિ જઇ શકીએ.’ સોમવારે જ મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ટીમ મોકલવા પાછળનો તર્ક જાણવા માગણી કરી હતી.