80 કરોડ ગરીબોને ત્રણ મહિના સુધી વધારાના પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને પરિવારદીઠ એક કિલો દાળ મફત અપાશેઃ સિતારમણ
એજન્સી, નવી દિલ્હી
કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ 1.7 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે.
નાણાં મંત્રીએ જણાવ્યું કે કોરોના સામેના જંગમાં દેશના આગળની હરોળના લડવૈયા આશા વર્કરો, સેનેટાઈઝ વર્કર્સ, પેરામેડિક્સ અને ડોક્ટર્સ તમામનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. સરકારે સ્વાસ્થ્ય સુરક્ષાના કર્મીઓ માટે ત્રણ મહિના માટે દરેકને 50 લાખનું વીમા કવચ આપવાની જાહેરાત કરી છે.
અન્ન સહાયઃ
કેન્દ્ર સરકારે ગરીબોને અન્ન સહાય યોજના હેઠળ 80 કરોડ ગરીબ લોકો માટે દરેક વ્યક્તિને આગામી ત્રણ મહિના માટે 5 કિલો ઘઉં- ચોખા ઉપરાંત વધારાના 5 કિલો ઘઉં અથવા ચોખા મફતમાં અપાશે. ઘરદીઠ વધારાની એક કિલો દાળ મફત આપવામાં આવશે જેને પગલે કોરોના મહામારી વચ્ચે દેશનો એકપણ ગરીબ ભૂખ્યો ના રહે.
સીધી રોકડ સહાયઃ
-8.70 કરોડ ખેડૂતોને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં 2,000ની રોકડ સહાય આપવામાં આવશે
-મનરેગા હેઠળ ભથ્થામાં પ્રતિ મજૂર મજૂરી રૂ.182 વધારીને રૂ. 202 કરાઈ છે જેનાથી તેમની આવક બે હજાર રૂપિયા વધશે અને પાંચ કરોડ પરિવારને લાભ મળશે
– 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધો જેમાં વિધવા અને દિવ્યાંગોનો સમાવેશ થાય છે તેમને એક વખત માટે રૂ.1,000 આગામી ત્રણ મહિના માટે અપાશે જેનાથી ત્રણ કરોડ ગરીબ વૃદ્ધોને મદદ થશે. આ રકમ સીધી બેન્ક ખાતામાં જમા થશે.
– મહિલા જનધન ખાતા ધારકોને એક વખત માટે 500 રૂપિયા પ્રતિ મહિના, આગામી ત્રણ મહિના સુધી રોકડ સહાય કરાશે. 20 કરોડ મહિલાઓ લાભ થશે.
– ઉજ્જવલા યોજના હેઠળ ત્રણ મહિના માટે મફત ગેસ સિલિન્ડર પુરા પાડવામાં આવશે
– પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સ્વ સહાય મહિલા જૂથોને 20 લાખ ગેરંટી ફ્રી લોનની સહાય કરાશે. 63 લાખ સ્વ સહાય જૂથો અથવા સાત કરોડ પરિવારોને આનો લાભ મળશે.
સંગઠિત ક્ષેત્ર માટેની જાહેરાત
– 15 હજારથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને ઈપીએફમાં કર્મચારી તેમજ કંપનીના 12-12 ટકા રકમ સરકાર આપશે.
– ઈપીએફઓમાં જમા કરાવવામાં આવતી રકમના 75 ટકા અથવા ત્રણ મહિનાના પગાર બન્નેમાંથી જે ઓછું હશે તેને ઉપાડવાની મંજૂરી
– બાંધકામ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના મજૂરો માટે (3.5 કરોડ નોંધણી ધરાવતા મજૂરો છે) 31,000 કરોડનું વિશેષ ભંડોળ ઉપલબ્ધ છે અને રાજ્ય સરકારને આ માટે નિર્દેશ આપવામાં આવે છે કે કોરોના વાયરસને લઈને આર્થિક અડચણો સામે આવી છે ત્યારે આ ભંડોળનો ઉપયોગ કરે.
– રાજ્યો પાસે રહેલા વધારાના મિનરલ ફંડનો ઉપયોગ સ્વાસ્થ્ય ચકાસણી, દવાઓ વગેરે માટે કરવામાં આવે