પીએમ નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતું.કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ PM નરેન્દ્ર મોદીએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.જો કે ધોરણ-12ની પરીક્ષા રદ કરવા અંગે શિક્ષણમંત્રી જાહેરાત કરે એના અડધો કલાક પહેલા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.આમ ઋત્વિજ પટેલે સુપર શિક્ષણમંત્રી હોય એ રીતે સરકાર પહેલા જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો.
જો કે, મીડિયામાં અહેવાલોમાં ઋત્વિજ પટેલ ચર્ચાનો વિષય બને અને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ટ્વિટ ડિલિટ કરી નાંખી હતી.ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે પરીક્ષા રદ કરી હોવાનું ટ્વીટ કર્યું હતું.ત્યારબાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.જો કે ભૂપેન્દ્રસિંહે પ્રેસ કોન્ફરન્સને સંબોધન શરૂ કરતા જ ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ માર્યું હતું.આજે ગુજરાતમાં ઘોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો મુદ્દો ભારે ચઢાવ ઉતાર જોવા મળ્યા હતા. આ નિર્ણયને રાજ્ય સરકાર જણાવે તે પહેલાં જ ભાજપના નેતા દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ધોરણ-12ની પરીક્ષાને લઈને ટ્વીટ કર્યું.ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે.જોકે, આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી દીધું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની કેબિનેટની બેઠકમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાતમાં પણ ધો.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.


