કેરળના થિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પકડાયેલી સોનાની દાણચોરીના કેસની રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પડી શકે એમ હોવાથી ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIA ને સોંપી છે.
30 કરોડના સોનાની દાણચોરીનો કેસ
કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને ડિપ્લોમેટિક બેગેજમાંથી રૂપિયા 30 કરોડના સોનાની દાણચોરીના કેસની અસરકારક તપાસ માટે વડા પ્રધાનને મધ્યસ્થી કરવા લખેલા પત્રના બીજા દિવસે આ નિર્ણય લેવાયો હતો.દરમિયાન કેરળ દાણચોરી કેસમાં કસ્ટમ વિભાગે જેને હિત ધરાવતી વ્યક્તિ ગણી હતી તે સ્વપ્ના સુરેશે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.
સ્વપ્ના સુરેશે માંગ્યા આગોતરા જામીન
પોતે આ કેસમાં બિલકુલ નિર્દોષ છે અને દાણચોરીમાં કોઇ જ ભૂમિકા નથી અને પોતે મીડિયા ટ્રાયલનો સામનો કરી રહી છે એવો સ્વપ્નાએ દાવો કર્યો હતો. કેરળ હાઇકોર્ટમાં ઓનલાઇન કરેલી અરજીમાં સપના સુરેશે કહ્યું હતું કે તેણે કેરળમાં યુએઇ મિશન ખાતે કાર્યકારી કોન્સ્યુલેટ જનરલ તરફથી સુચના મળતાં કન્સાઇનમેન્ટને કસ્ટમમાં ચેક કર્યો હતો.
સપના સહીત અન્ય એક અધિકારી પદથી દૂર કરાયા
ઉલ્લેખનીય છે કે કેરળ સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સાથે સંલગ્ન એક કંપની માટે તે માર્કેટિંગ ઓફિસર તરીકે કામ કરે છે અને તેની પહેલાં યુએઇમાં ભારતીય મિશનમાં કામ કરી ચૂકી હતી.આ કેસનો ઘટસ્ફોટ થતાં મુખ્યમંત્રી વિજયને તાત્કાલિક અસરથી સપના અને એક વરિષ્ઠ આઇએએસ અધિકારીને અગ્ર સચિવની પોસ્ટ પરથી દૂર કર્યા હતા.
NIA ને તપાસ સોંપવામાં આવી
દરમિયાન ગૃહ મંત્રાલયના એક પ્રવકતાએ કહ્યું હતું કે થિરૂવનંતપુરમ સોનાની દાણચોરી કેસની તપાસ કરવા ગૃહ મંત્રાલયે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)ને એટલા માટે સોંપી હતી કે આવી સંગઠીત દાણચોરીની દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.આશરે 30 કિલોના આ સોનાને થિરૂવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક ડિપ્લોમેટિક બેેગમાંથી કબજે કરાયો હતો.