ઘણા લાંબા સમયથી રાહ જોતા પ્રવાસીઓ અને લોકોની આતુરતાનો અંત આવ્યો છે.હવે નજીકના દિવસોમાં જ સોરઠમાંથી હવાઈ સેવાનો વર્ષો બાદ પ્રારંભ થશે.કેશોદ એરપોર્ટનો ઉદઘાટન સમારોહ આગામી તા.16 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે થશે.એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.25 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનુ નિર્માણ કરાયુ છે.ઉપરાંત કેશોદ- મુંબઇ- કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવશે.સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ- મુંબઇ – કેશોદ વિમાની સેવાનો લાભ લોકો અને પ્રવાસીઓને મળશે.આ સમારોહમાં કેન્દ્રીય પરિવહન મંત્રી વી.કે. સીંઘ, રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, સાંસદ રમેશભાઇ ઘડુક સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.કેશોદમાં આ સેવા શરૂ થવાથી સોરઠના વેપાર, ઉદ્યોગોની સાથે સાથે સોરઠના પ્રવાસન સ્થળોએ આવતા દેશ- વિદેશના પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થશે.હાલ જૂનાગઢ જિલ્લાથી નજીક રાજકોટ, પોરબંદર જિલ્લામાં જ એરપોર્ટ છે.ત્યારે હવે સાસણ ગીરમાં એશિયાટિક સિંહોના દર્શન, ગીરનાર રોપ-વે, સોમનાથ મંદિર અને દિવની મુલાકાત માટે પણ આવતા પ્રવાસીઓ વિમાની સેવાનો લાભ મળતો થશે.


