– સાઉથ ઇન્ડિયન પદ્ધતિથી પાર પડયા લગ્ન
મુંબઇ : બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અને એક્ટ્રેસ આથિયા શેટ્ટીના લગ્ન ક્રિકેટર કે એલ રાહુલ સાથે આજે સાઉથ ઇન્ડિયન પદ્ધતિથી મુંબઇ પાસેના ખંડાલામાં પાર પડયા હતા.ખૂબ જ મર્યાદિત સંખ્યામાં મહેમાનોને આમંત્રવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા વખતથી ફેન્સ આ બંનેના લગ્નને જોવા ઉત્સુક હતા.અથિયા અને રાહુલનું પ્રેમપ્રકરણ એક કોમન ફ્રેન્ડે બંનેની મુલાકાત કરાવ્યા બાદ શરૃ થયું હતું.લગ્ન બાદ મોડી સાંજે બહાર આવેલ બંનેના લગ્નના ફોટામાં કપલ ખુશખુશાલ દેખાઇ રહ્યું હતું.લગ્નની તસવીરો અથિયા શેટ્ટીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી હતી.તસવીરોમાં કપલ કેમેરા સામે વિવિધ પોઝ આપવાની સાથે ખૂબ જ આનંદિત જણાઇ રહ્યું હતું.
લાઇટ પિંક કલરનો લહેંગો અને કુંદન જ્વેલરી પહેરેલી અથિયા ખૂબ સુંદર લાગી રહી હતી જ્યારે શેરવાની પહેરેલા કેએલ રાહુલ પણ વરરાજા તરીકે શોભી રહ્યો હતો.આ પહેલા બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીએ મીડિયા સામે હાજર થઇ બંનેના લગ્નની પુષ્ટિ કરી રાહુલ અને અથિયા લગ્નગ્રંથિથી બંધાઇ ગયા હોવાના શુભ સમાચાર આપ્યા હતા.આ સાથે જ તેમણે સસરા બની ગયા હોવાની ખુશી વ્યક્ત કરી હતી.આ સમયે તેમની સાથે તેમનો પુત્ર અહાન શેટ્ટી પણ હાજર હતો અને તેમણે પત્રકારોમાં મિઠાઇ વહેચી હતી.
આજના આ લગ્નમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ જોડાઇ હતી જેમાં ક્રિકેટર વરુણ એરોન,ઇશાંત શર્મા,અભિનેતા સલમાન ખાન,જેકી શ્રોફ,અક્ષયકુમાર જેવા સ્ટાર જોડાયા હતા.સુનિલ શેટ્ટીએ પત્રકારોને જણાવ્યું હતું કે આઇપીએલ થાય પછી એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવશે.