ન્યુ દિલ્હી,તા.૨૪
કૉંગ્રેસ અસહાય બની ગઈ હોવાનું લોકો વિચારતા થઈ ગયા છે એમ જણાવી પક્ષના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું હતું કે કૉંગ્રેસે નેતૃત્ત્વના મુદ્દાને ટોચની પ્રાથમિકતા આપી તેનો ઉકેલ લાવવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પક્ષને પુનર્જીવિત કરવા પક્ષપ્રમુખના હોદ્દાને મામલે લાંબા સમયથી ચાલી રહેલી અચોક્કસતાનો અંત લાવવો જોઈએ.
થરૂરે કહ્યું હતું કે કૉંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ પાછા ફરવા માગે છે કે નહીં તે રાહુલ ગાંધી પર નિર્ભર કરે છે, પરંતુ જો તેઓ તેમનું અગાઉનું વલણ બદલવા ન માગતા હોય તો પક્ષે સક્રિય અને સંપૂર્ણ સમયના નેતૃત્વની શોધ કરવી જોઈએ જેથી કરીને દેશવાસીઓની અપેક્ષા મુજબ પક્ષ આગળ વધી શકે.
કૉંગ્રેસ વર્િંકગ કમિટી (સીડબ્લ્યુસી)ની ચૂંટણી યોજવા માટે ગયા અઠવાડિયે નવેસરથી હાકલ કરનાર તિરુવનંતપુરમના સાંસદ થરૂરે કહ્યું હતું કે પક્ષની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થાના અમુક સભ્યોને ચૂંટી કાઢવાની પ્રક્રિયા અને વિશ્ર્વસનીય આદેશ સંસ્થાકીય પડકારોને પહોંચી વળવા પક્ષની ટીમમાં પ્રારંભિક જોશ ભરશે.
ભાજપના ભાગલાવાદી રાજકારણનો કૉંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય વિકલ્પ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ અસહાય બની ગઈ છે અને તે અસ્તિત્વની લડાઈ લડી રહી હોવાનું લોકો વિચારતા થઈ ગયા છે એ બાબત અમારી હાલની મુખ્ય ચિંતા છે.
કૉંગ્રેસને ફરીથી ધબકતી કરવા નેતૃત્વનો પ્રશ્ન હલ કરવાની જરૂર : થરૂર

Leave a Comment