– ગુજરાતમાં નબળા દેખાવ માટે પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના ફૅક્ટર અને ધ્રુવીકરણની રાજનીતિને જવાબદાર ગણાવે છે, હિમાચલ પ્રદેશમાં પાર્ટી સત્તા વિરોધી લહેરનો લાભ ન લઈ શકી
એક્ઝિટ પોલ્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસના કંગાળ દેખાવની આગાહી કરવામાં આવી છે.પાર્ટીના નેતાઓ એના માટે આમ આદમી પાર્ટીના ફૅક્ટર અને ધ્રુવીકરણની રાજનીતિને જવાબદાર ગણાવે છે.એક્ઝિટ પોલ્સ અનુસાર બીજેપી ગુજરાતમાં સત્તાવાપસી કરશે,જ્યારે હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ કરતાં એ સહેજ આગળ છે.નોંધપાત્ર છે કે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અત્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી રહ્યા છે.પાર્ટીને મજબૂત કરવા તેઓ પરસેવો પાડી રહ્યા છે.બીજી તરફ પાર્ટીએ પોતાના અધ્યક્ષ પણ બદલીને પરિવારવાદનું ટૅગ હટાવવાની કોશિશ કરી છે.સોનિયા ગાંધીના બદલે મલ્લિકાર્જુન ખડગેના હાથમાં સુકાન સોંપવામાં આવ્યું છે.જોકે એક્ઝિટ પોલ્સનાં તારણો જોતાં કૉન્ગ્રેસની કોઈ ફૉર્મ્યુલા સફળ થઈ રહી હોય એમ જણાતું નથી.પાર્ટી સતત જનાધાર ગુમાવી રહી હોય એમ જણાય છે.
ગુજરાતની વાત કરીએ તો અહીં કૉન્ગ્રેસની પાસે તક હતી.બીજેપી ૨૭ વર્ષથી સત્તામાં છે.કેટલાક એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને ૧૫થી ૨૦ ટકા વોટ શૅરની વાત કહેવામાં આવી છે,જેનાથી અત્યંત ખુશ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું હતું કે કેટલાક એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને ૧૫થી ૨૦ ટકા વોટ શૅર મળ્યો છે અને એ પણ બીજેપીના ગઢમાં, જે મોટી વાત છે.
હિમાચલ પ્રદેશમાં તો શાસક પાર્ટી ક્યારેય ચૂંટણી જીતતી નથી એવો ચાર દશકનો ટ્રેન્ડ રહ્યો છે.જોકે આ વખતે એ ટ્રેન્ડનું પાલન ન થાય એમ બની શકે છે.હિમાચલ પ્રદેશમાં બીજેપીની વિરુદ્ધ મજબૂત સત્તાવિરોધી લહેર છે અને સાથે જ અહીં લીડરશિપ ક્રાઇસિસ પણ છે.એમ છતાં, એક્ઝિટ પોલ્સમાં હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ કરતાં બીજેપીને સહેજ આગળ બતાવાઈ છે.એ સૂચવે છે કે ક્યાંક કૉન્ગ્રેસ પ્રચારમાં નિષ્ફળ રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ફૅક્ટર હતું. આપનું ધ્યાન અમારા મતો પર હતું. હું હજી પણ ફીલ કરું છું કે હિમાચલ પ્રદેશમાં કૉન્ગ્રેસ સરકાર બનાવવા માટે પૂરતી સીટ્સ મેળવી લેશે. – નાસિર હુસેન, કૉન્ગ્રેસના નેતા
જો એક્ઝિટ પોલ્સ અનુસાર જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવે તો એ ખૂબ જ નિરાશાજનક બાબત છે.જોકે હું સ્વીકારીશ કે બીજેપીને ઍડ્વાન્ટેજ હતો.ગુજરાતમાં મની પાવર ખૂબ દેખાતો હતો.જો એક્ઝિટ પોલ્સનાં તારણો સાચાં ઠરે તો વધુ એક
વખત અત્યંત ધ્રુવીકરણના પ્રચારની એ સફળતા છે.પીએમ અને દરેક લીડરની દરેક સ્પીચમાં ભય ઊભો કરવામાં આવ્યો હતો.- અભિષેક મનુ સિંઘવી, કૉન્ગ્રેસના પ્રવક્તા