ગાંધીનગર : કેન્દ્ર સરકારના ઈશારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ દ્વારા સતત ત્રીજા દિવસે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઊભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવીને હેરાન કરવા અને દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પોલીસે ઘૂસીને આચરેલા અત્યાચારના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદન પત્ર સુપરત કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યો,વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ ગાંધીનગરમાં સરકીટ હાઉસથી રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી.આ અગાઉ ગુરુવારે બપોરે જ કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોએ સરકીટ હાઉસ ખાતે બેનર અને સૂત્રોચ્ચાર કરીને દેખાવ શરૂ કરી દીધા હતા.કોંગ્રેસના ધરણાં-પ્રદર્શનની આગોતરી જાણકારીને પગલે રાજભવન જતા તમામ રસ્તાઓ પર બેરીકેડ લગાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ઠાકોર,વિપક્ષી નેતા રાઠવા,પૂર્વ નેતા પરેશ ધાનાણી,પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ,અર્જુન મોઢવાડિયા,પૂર્વ સાંસદ તુષાર ચૌઘરી,ધારાસભ્યો પુંજાભાઈ વંશ,અમિત ચાવડા,હિંમતસિંહ પટેલ,ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારને જ રાજ્યપાલને મળવાની પરવાનગી આપવી હતી.દરમિયાન કોંગ્રેસે શુક્રવારે રાજ્યભરના તમામ જિલ્લા મથકોએ કેન્દ્ર સરકારની કચેરી સમક્ષ શાંતિપૂર્વક અને અહિંસક રીતે ધરણાંનો કાર્યક્રમ આપવાનું એલાન કર્યું છે.
કોંગ્રેસે રાજ્યપાલને સુપરત કરેલા આવેદન પત્રમાં આક્ષેપ કર્યો છે કે,કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત,દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યંત આઘાતજનક બાબત એ છે કે,પોલીસે એઆઈસીસીના વડામથકમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરીને કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા.સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક થઈ રહેલા દેખાવને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાપૂર્વક પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું હોવાનો આક્ષેપ આવેદનમાં કરવામાં આવ્યો છે.બીજીતરફ રાજભવન તરફ કૂચ કરવાના પ્રયાસ બદલ પોલીસે વિધાનસભામાં કોંગ્રેસના દંડક અને ધારાસભ્ય સી.જે.ચાવડા,લલિત કગથરા,પૂર્વ સાંસદ ડો.પ્રભાબેન તાવિયાડ,નેતા ગીતાબેન પટેલ સહિત અસંખ્ય મહિલા-યુવા કાર્યકરોની અટકાયત કરી હતી.


