રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજી બેઠક જીતવા માટે મરણિયા બનેલા ભાજપના નેતાઓએ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની શરૂ કરેલી પ્રવૃત્તિને કારણે સોમવારે શરૂ થનારી વિધાનસભાની બેઠક ભારે તોફાની બની રહેવા સંભવ છે. જો કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ત્રણ પાર્ટમાં રાજસ્થાન ભેગા કરી દીધા છે. ત્યારે ઘરમાં એક બાજુ ભંગાણ ચાલતું હોય ત્યારે તેને બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો મરણિયા પ્રયાસ કરી રહ્યા છે.હાલ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એક મોટો દાવો કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા એક મોટો દાવો કરીને રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે,પરંતુ તેમના દાવામાં કેટલી સચ્ચાઈ છે એતો આવનારો સમય જ બતાવી શકે તેમ છે.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું છે કે, ભાજપના ત્રણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે,જે ક્રોસ વોટિંગ કરીને ભાજપનું ગણિત બગાડી શકે છે. BTPના મત ભાજપને જ મળશે તેવુ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ એવું કંઈ નથી. BTPના મત અમને પણ મળી શકે છે અને આખી બાજી પલટાઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, BTPને પોતાનો મત કોને મત આપવો તે તેમનો વિષય છે. ભાજપ ધારાસભ્યોને ધાકધમકી આપીને હેરાન પરેશાન કરે છે. તેઓ ધારાસભ્યોને મોટી રકમ આપીને ખરીદે છે. તેમણે એવું પણ જણાવ્યું કે, હું નિમ્નકક્ષાના રાજકારણમાં આવ્યો તેનો મને ખુબ જ પસ્તાવો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ આજે એક દાવો કર્યો હતો અને જણાવ્યું કે ભાજપના ૩ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.BTPના મત ભાજપને જ મળશે તેવું લખીને નથી આપ્યુ, BTPએ પોતાનો મત કોને મત આપવો તે પાર્ટીનો વિષય છે. મારે ધંધાકીય કામ હતું એટલે પરવાનગી લઈને હું મોડો આવ્યો છું. પ્રજાએ પાંચ વર્ષ ચૂંટીને આપ્યા તો કામ કરવા ચૂંટી કાઢ્યા છે.
જ્યારે ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાનું કારણ પુછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે,ભાજપ અમારા ધારાસભ્યોને હેરાન પરેશાન કરે છે,એટલે અમે અહીં આવ્યા છે.ભાજપ હવે પહેલાનું ભાજપ નહીં, પણ રંગા બિલાનું ભાજપ બની ગયું છે.જો અમારે મોજમજા કરવા અહીં આવ્યા હોત તો અમે 3 દિવસ પહેલા અહીં આવી ગયા હોત.અને તેમની સાથે હું પણ આવી જાત. ગાંધીનગરનું સત્ર ટૂંકાવીને અમે અહીં આવ્યા છીએ,પરંતુ મને પસ્તાવો થાય છે કે હું નિમ્ન કક્ષના રાજકારણમાં આવ્યો છું.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 26મી માર્ચે થવાની છે.ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હોવાથી કોંગ્રેસના મતોમાં ગાબડું પડવાની સંભાવના સાથે આઠ થી દસ ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તેમજ ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમિલા બારા સત્તાવાર ઉમેદવાર છે.
ભાજપને ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા માટે સાત ધારાસભ્યોની જરૂર છે જે પૈકી બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્યનો ટેકો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આ સંજોગોમાં ભાજપને કોંગ્રેસના ચાર ધારાસભ્યોના મતોની જરૂર પડે તેમ છે તેથી કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાઇ રહ્યું છે.