રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડા પડવાનો દોર શરૂ થઇ ગયો છે. 15 માર્ચના રોજ સાંજ સુધીમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામાં આપ્યા હતા. આ બાબતે રાત્રે વિધાનસભાના અધ્યક્ષે મીડિયાને માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા કે, કોંગેસમાં રાષ્ટ્રીય નેતાગીરીની કોઈ ગણના નથી કરતા રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતના કોઈ ધારાસભ્ય સાંભળી નથી રહ્યા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાલે રાત્રે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું પ્રમાણે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ તેમની રૂબરૂ મુલાકાત લઇને રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષે ચારેય ધારાસભ્યના રાજીનામાં સ્વીકારી પણ લીધા છે. એવી પણ વાત ચાલી રહી છે કે, હજુ પણ કોંગ્રેસના એકથી બે ધારાસભ્યો પોતાના રાજીનામાં આપી શકે છે. સમયની રાહ જોવાની છે. અમે તો એવું કહીએ છીએ કે, કોંગ્રેસના જૂથવાદના કારણે કોંગ્રેસમાં જે આંતરિક ખેંચતાણ છે અને કોઈ કોઈનું સંભાળતા નથી.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નેતાગીરીની કોઈ ગણના નથી કરતા રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતના કોઈ ધારાસભ્ય સાંભળી નથી રહ્યા. આના કારણે આ થયું છે. કોંગ્રેસે પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં એક રાષ્ટ્રીય નેતાના નામની ઘોષણા કરી હતી. ગુજરાત અને દેશની મીડિયામાં પણ એ નામ ચાલી રહ્યું હતું પરંતુ ગુજરાતના ધારાસભ્યોએ રાષ્ટ્રીય નેતાનો વિરોધ કર્યો હોવાના કારણે નવા નેતાનું નામ ઉમેદવાર માટે જાહેર કરવું પડ્યું. આ પ્રકારની ગુજરાત કોંગ્રેસની નીતિ અને સંગઠનની સ્થિતિ છે. જૂથવાદ ચરમસીમા પર છે તેનું પરિણામ કોંગ્રેસ ભોગવી રહી છે.