રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય લોબીમાં મોટી ચહલપહલ જોવા મળી રહી છે. રાજકોટ ભાજપના મોટા અને પૂર્વ નેતા રાજભા ઝાલા આમ આદમી પાર્ટી સાથે જોડાશે. અગાઉ તેઓ સ્ટેડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. એક એવો પણ સમય હતો જ્યારે તેઓ ભાજપ પક્ષથી નારાજ થતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું.
એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, ગત અઠવાડિયે રાજભાએ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા સાથે મુલાકાત કરી હતી. હવે તેઓ દિલ્હી પણ મુલાકાત કરવા માટે જશે એવું જાણવા મળ્યું છે. તો બીજી તરફ રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી સક્રિય થઈને ઘરવાપસી કરે એવી પૂરી શક્યતાઓ છે. જોકે, આ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છું. કોંગ્રેસ પાર્ટી સારી જ છે. લોકોની લાગણી સાથે રહેવું જોઈએ. આજે પણ હું કોંગ્રેસી જ છું. પરંતુ કોંગ્રેસમાં નથી. હાલ કોઈ જોડાવવાની ઈચ્છા નથી. હવે ભાજપથી લોકો થાકી ચુક્યા છે.
જ્યારે રાજભાએ આમ આદમી પાર્ટીમાં જોડાવવાને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટીની રવિવારે એક બેઠક મળી હતી. હું મારી એક સમિતી સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લઈશ. નાગરિક હિતરક્ષક સમિતી સાથે ચર્ચા-વિચારણા થશે. આમ આદમી પાર્ટીના મોટા નેતા ગોપાલરાય સાથે પણ બેઠક યોજાશે, યોગ્ય વિચારણા કરીને નિર્ણય કરાશે. દિલ્હીની જેમ રાજકોટમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. રાજકોટમાં પણ વિકાસને બદલે કામની રાજનીતિ કરાશે. હું થોડા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈશ.
બીજી તરફ ગત અઠવાડિયે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસમાં ઘરવાપસી માટેની રજૂઆત પણ કરવામાં આવી હોવાના એંધાણ મળ્યા હતા. હવે આ અંગે ઈન્દ્રીનીલ શું પગલાં ભરશે એના પર અનેક રાજકીય પાસાઓ પલટાશે.